મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ રવિવારે આ ડાયમન્ડ શેપ્ડ ઈ-બાઇકની સવારી કરતો વિડિયો શૅર કરીને પોતે આ સ્ટાર્ટ-અપમાં રોકાણ કર્યું છે એની જાહેરાત કરી હતી
આનંદ મહિન્દ્ર
મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ રવિવારે આઇઆઇટી બૉમ્બેના વિદ્યાર્થીઓએ બનાવેલી વિશ્વની પ્રથમ ફોલ્ડેબલ ડાયમન્ડ ઈ-બાઇકની સવારી કરી હતી. આ બાઇકનું નામ છે હૉર્નબૅક એક્સ1, જે હૉર્નબેક સાઇકલ્સ નામના સ્ટાર્ટ-અપ દ્વારા બનાવવામાં આવી છે.
આનંદ મહિન્દ્ર આ બાઇક ચલાવીને ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનું કહેવું હતું કે આ સાઇકલ અન્ય ફોલ્ડેબલ બાઇક કરતાં ૩૫ ટકા વધુ અનુકૂળ છે. આ એકમાત્ર એવી બાઇક છે જેને ફોલ્ડ કર્યા પછી ઉપાડવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે મેં આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે.
ADVERTISEMENT
બિઝનેસ ટાયકૂને સ્ટાર્ટઅપની ફુલ સાઇઝ વ્હીલ્સ સાથેની પ્રથમ ફોલ્ડેબલ ડાયમન્ડ ઈ-બાઇક ડિઝાઇન કરવા બદલ પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે ‘આઇઆઇટી બૉમ્બેના એક ગ્રુપે અમને ફરીથી ગૌરવ અપાવ્યું છે. તેમણે વિશ્વની પ્રથમ ફોલ્ડ કરી શકાય એવી ડાયમન્ડ ફ્રેમ ઈ-બાઇક બનાવી છે જેમાં ફુલ-સાઇઝ વ્હીલ્સ છે.’
હૉર્નબૅક એક્સ1 એ ડાયમન્ડ ફ્રેમ સાથે ફોલ્ડ કરી શકાય એવી ઈ-બાઇક છે. એમાં ૨૫૦ વૉટની મોટર અને ૩૬ વૉટની બૅટરી છે. આ બાઇક સિંગલ ચાર્જ પર ૭૦ કિમી સુધીની મુસાફરી કરી શકે છે અને એની ટૉપ સ્પીડ ૨૫ કિમી પ્રતિ કલાક છે. આ બાઇક પણ ખૂબ હળવી છે. એનું વજન માત્ર ૧૫ કિલો છે. એ ફોલ્ડ અને અનફોલ્ડ કરવા માટે પણ ખૂબ સરળ છે.

