સુશાંતે રાગીની ખેતીની શરૂઆત રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તાના બિયારણની ખરીદી સાથે શરૂ કરાવી હતી. શરૂઆતમાં ૧૬૦૦ એકરમાં રાગીની ખેતી થતી હતી, જે હવે વધીને ૩૬૦૦ એકર થઈ ગઈ છે.
પ્રાઇમ મિનિસ્ટર અવૉર્ડ ફૉર એક્સલન્સ ઇન પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન
અત્યંત ગરીબી અને નક્સલવાદીઓની ઘૂસણખોરી માટે જાણીતો ઝારખંડનો ગુમલા જિલ્લો મોટી ક્રાન્તિનો સાક્ષી બન્યો છે. હવે ગુમલા મિલેટ્સમાંથી બનાવેલા ખોરાકના સંદર્ભમાં એક ક્રાન્તિનું સાક્ષી બન્યું છે, જે કુપોષણને રોકવામાં મદદ કરી શકે છે. ૨૦૧૪ના બૅચના આઇએએસ (ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઑફિસર સુશાંત ગૌરવની આ પહેલથી જંગલ આચ્છાદિત ગુમલા જિલ્લામાં એક નવા કૃષિ-ઉદ્યોગને વેગ મળ્યો છે. સુશાંત ગૌરવ ગુમલાને પૂર્વ ભારતમાં રાગી એટલે કે નાચણીની રાજધાની બનાવવા માગે છે. ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર ગુમલામાં સુશાંત ગૌરવના આ કાર્યને ‘પ્રાઇમ મિનિસ્ટર અવૉર્ડ ફૉર એક્સલન્સ ઇન પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન’ માટે પસંદ કરવામાં આવ્યું છે. અગાઉ ગુમલાની અર્થવ્યવસ્થા વરસાદ આધારિત ડાંગરના પાક પર કેન્દ્રિત હતી.
સુશાંતે રાગીની ખેતીની શરૂઆત રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તાના બિયારણની ખરીદી સાથે શરૂ કરાવી હતી. શરૂઆતમાં ૧૬૦૦ એકરમાં રાગીની ખેતી થતી હતી, જે હવે વધીને ૩૬૦૦ એકર થઈ ગઈ છે. આ કારણે ચોખ્ખા નફામાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. તેમણે રાગી ખરીદ કેન્દ્રની સ્થાપના કરી છે, જે ઝારખંડમાં આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. રાગીમાંથી બનેલા લાડુ, ભુજિયા અને લોટનું ઉત્પાદન કરવામાં આવે છે જે કુપોષણ અને એનીમિયા સામે લડવામાં મદદરૂપ છે, કારણ કે એમાં પ્રોટીન, કૅલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.
વધુ લોકોને નાચણીની ખેતી માટે પ્રોત્સાહિત કરીને એના વેચાણની તેમ જ એમાંથી બનતાં ઉત્પાદનોની સિસ્ટમ બનાવીને આ પાકને પ્રૉફિટેબલ બનાવવા માટે તેમને નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે પ્રાઇમ મિનિસ્ટરના હસ્તે અવૉર્ડ આપવામાં આવ્યો હતો. નાચણી પ્રોસેસિંગ કેન્દ્રો ફક્ત મહિલાઓની માલિકી અને સંચાલિત છે અને જોહર રાગી બ્રૅન્ડ હેઠળ દરરોજ એક ટન રાગીનો લોટ, રાગીના લાડુનાં ૩૦૦ પૅકેટ અને રાગી નમકીનનાં ૨૦૦ પૅકેટનું ઉત્પાદન થાય છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય હેઠળના મહાત્મા ગાંધી નૅશનલ ફેલો અવિનાશકુમારે ડેપ્યુટી કમિશનર વતીથી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ખાતે એક ‘કેસ-સ્ટડી પ્રેઝન્ટેશન’ આપ્યું હતું. ગુમલા મૉડલ પર ‘કેસ-સ્ટડી’ તૈયાર થશે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્કૂલોમાં પ્રસારિત કરવામાં આવશે.