નૉનવેજ ફૂડ માટે અમેરિકામાં દર વર્ષે કેવી રીતે ૯ અબજ પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે.
મૉર્ગન સ્પરલૉક
અમેરિકાના ઑસ્કર નૉમિનેટેડ ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર મૉર્ગન સ્પરલૉકનું ગુરુવારે ૫૩ વર્ષની વયે અવસાન થયું છે. મૉર્ગન ખાસ કરીને અમેરિકાના ફાસ્ટ ફૂડ ઉદ્યોગ વિશેની ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટે જાણીતા હતા. ૨૦૦૪માં તેણે ‘સુપર સાઇઝ મી’ નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ કરી હતી. આ ફિલ્મ બાદમાં ઑસ્કર માટે નૉમિનેટ થઈ હતી. ફાસ્ટ ફૂડની હેલ્થ પર કેવી ખતરનાક અસર થાય છે એ દર્શાવવા માટે મૉર્ગન સતત ૩૦ દિવસ માત્ર મૅક્ડોનલ્ડ્સનું ફૂડ જમતો હતો. ૩૦ દિવસમાં તેનું વજન ૧૧ કિલો વધ્યું હતું તથા કૉલેસ્ટરોલ લેવલ પણ વધ્યું હતું. ફિલ્મના એક દૃશ્યમાં મૉર્ગન કેટલાંક બાળકોને જ્યૉર્જ વૉશિંગ્ટનનો ફોટો બતાવીને આ કોણ છે એવું પૂછે છે. બાળકો જવાબ આપી શકતાં નથી, પણ જ્યારે બાળકોને મૅક્ડોનલ્ડ્સ તથા અન્ય ફાસ્ટ ફૂડના લોગો બતાવવામાં આવે છે ત્યારે તેઓ તરત પારખી લે છે. આ ડૉક્યુમેન્ટરીની સફળતા બાદ મૉર્ગને ‘સુપર સાઇઝ મી-2 : હોલી ચિકન’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં દર્શાવાયું છે કે નૉનવેજ ફૂડ માટે અમેરિકામાં દર વર્ષે કેવી રીતે ૯ અબજ પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે.