આ મહિલાની ફિટનેસ તેનાં વર્કઆઉટ અને હેલ્ધી ફૂડને આભારી છે. તે અઠવાડિયામાં ત્રણ વખત વર્કઆઉટ કરે છે
અજબગજબ
અલેહાન્દ્રા મારિસા રૉડ્રિગ્ઝ
૨૦૨૪ની ૨૮ સપ્ટેમ્બરે મેક્સિકોમાં યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધામાં પોતાના દેશની પ્રતિનિધિ ચૂંટવા આર્જેન્ટિનામાં જુદા-જુદા પ્રાંતોની સ્થાનિક બ્યુટી-કૉન્ટેસ્ટ યોજાઈ રહી છે. આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયરસમાં યોજાયેલી આવી જ એક સ્પર્ધામાં ૬૦ વર્ષની લૉયર અને જર્નલિસ્ટ અલેહાન્દ્રા મારિસા રૉડ્રિગ્ઝ વિજેતા બની છે. રૉડ્રિગ્ઝ ૩૪ દાવેદારોને પાછળ છોડીને મિસ યુનિવર્સ બ્યુનસ આયરસ બની છે. હવે આ મહિલા ૨૫ મેએ મિસ યુનિવર્સ આર્જેન્ટિના બ્યુટી પેજન્ટમાં ભાગ લેશે અને ૧૮થી ૪૦ વર્ષની ઉંમરના સ્પર્ધકોને ટક્કર આપશે. આ સ્પર્ધા તે જીતશે તો તેને મેક્સિકો જવા મળશે. આમ તો આવી સ્પર્ધાઓમાં વયમર્યાદા હોય છે, પણ મિસ યુનિવર્સ બ્યુટી કૉન્ટેસ્ટે ગયા વર્ષે એજ-લિમિટ દૂર કરી હતી.
મિસ બ્યુનસ આયરસ 2024 જીતનાર અલેહાન્દ્રાનું માનવું છે કે સુંદરતાની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. આ મહિલાની ફિટનેસ તેનાં વર્કઆઉટ અને હેલ્ધી ફૂડને આભારી છે. તે અઠવાડિયામાં ત્રણ વખત વર્કઆઉટ કરે છે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે અને સારી સ્કિન-ક્રીમનો ઉપયોગ કરે છે. ડિવૉર્સી અલેહાન્દ્રાએ એવી મજાક પણ કરી છે કે કદાચ મારા સિંગલ સ્ટેટસે મારી સફળતામાં ફાળો આપ્યો હશે.