કેએનપીમાં માદાઓ સહિત ૧૨થી ૧૫ ચિત્તા રાખવાની તૈયારી કરવામાં આવી છે
Offbeat
પ્રતીકાત્મક તસવીર
વિશ્વના સૌથી ઝડપી પ્રાણી ચિત્તાને ૧૯૫૨થી ભારતમાં લુપ્ત પ્રજાતિ જાહેર કરવામાં આવી છે. જોકે હવે જ્યારે ભારત એની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં કુનો-પાલપુર નૅશનલ પાર્ક (કેએનપી)માં ચિત્તાને નવું ઘર મળી રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં વન્યજીવ અભયારણ્ય ઇન્ટરકૉન્ટિનેન્ટલ ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ હેઠળ લાવવામાં આવી રહેલા એના નવા રહેવાસી આફ્રિકન ચિત્તાના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે અને જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો આવતા મહિનાની શરૂઆતમાં એ અહીં આવી જશે. પ્રારંભમાં ચિત્તા સાઉથ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. બન્ને દેશ વચ્ચે ચિત્તાના ડિસ્લોકેશન માટેના એમઓયુ કરવાના હજી બાકી છે, પણ ટૂંક સમયમાં એ કરવામાં આવશે એમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. ચિત્તા મોટા ભાગે આફ્રિકામાં જોવા મળે છે.
ADVERTISEMENT
કેએનપીમાં માદાઓ સહિત ૧૨થી ૧૫ ચિત્તા રાખવાની તૈયારી કરવામાં આવી છે અને શરૂઆતમાં એને રાખવા માટે એમાં આઠ કમ્પાર્ટમેન્ટ ધરાવતા પાંચ ચોરસ કિલોમીટરનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. ચિત્તાના સ્વાગતની ૯૦ ટકા તૈયારી થઈ ચૂકી છે.
૧૯૪૭માં અવિભાજિત મધ્ય પ્રદેશના છત્તીસગઢમાં દેશનો છેલ્લો ચિત્તો મૃત્યુ પામ્યો હતો અને ૧૯૫૨માં ભારતમાંથી ચિત્તાને લુપ્ત પ્રાણી જાહેર કરવામાં આવ્યા હતા. ચંબલ પ્રદેશમાં કુનો નૅશનલ પાર્કમાં ચિત્તાઓને હોસ્ટ કરવા માટે યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિ છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ડબ્લ્યુઆઇઆઇ)એ કેટલાંક વર્ષ પહેલાં ચિત્તાના પુનઃ પ્રવેશનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.
અગાઉ કુનો નૅશનલ પાર્કમાં એશિયાટિક સિંહોને લાવવામાં આવવાના હતા, પરંતુ ગુજરાતે ગીરના સિંહોને મોકલવાનો ઇનકાર કરતાં એ પ્રોગ્રામ પડતો મૂકવામાં આવ્યો હતો.