દુબઈ સ્થિત એમિરાત ઍરલાઇન્સે માર્કેટિંગમાં નવી ઊંચાઈ સર કરી છે
બુર્જ ખલીફાના ટોચ પર મહિલા
બુર્જ ખલીફાના ટોચ પર મહિલાને ઊભી રાખીને દુબઈ સ્થિત એમિરાત ઍરલાઇન્સે માર્કેટિંગમાં નવી ઊંચાઈ સર કરી છે. બહુ વાઇરલ થયેલી આ જાહેરાતમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે દુબઈમાં આવેલા ૮૨૮ મીટર એટલે કે ૨૭૧૬ ફુટ ઊંચા ટાવર બુર્જ ખલીફામાં આ ઍરલાઇન્સની કેબિન ક્રૂ ઊભી છે. આ વિઝ્યુઅલ્સ જોઈને ઘણાને જરૂર આશ્ચર્ય થયું હશે.
કેટલાક લોકોનું માનવું છે કે આ ઘટના સાચી નથી, પણ સ્પેશ્યલ ઇફેક્ટની મદદથી આ દૃશ્ય ફિલ્માવવામાં આવ્યું હશે. જોકે સોમવારે ખુદ ઍરલાઇન્સે જ આ બાબતે સ્પષ્ટતા કરતો એક વિડિયો બહાર પાડ્યો હતા જેમાં જણાવવામાં આવ્યું કે સલામતીનાં અનેક પગલાં લીધા બાદ આ સાચું દૃશ્ય શૂટ કરવામાં આવ્યું છે. આટલી ઊંચાઈએ માત્ર ૧.૨ મીટર જેટલી સીમિત જગ્યામાં ઍરલાઇન્સનો યુનિફૉર્મ પહેરીને ઊભી રહેલી નિકોલ સ્મિથ નામની મહિલા ખરેખર એક સ્કાયડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર છે. સલામતની પૂરેપૂરી ખાતરી કર્યા બાદ જ તેની પસંદગી કરવામાં આવી હતી. વિશ્વના બહુ ઓછા લોકોને આ ઊંચા ટાવર પર ઊભા રહેવાની તક મળી છે અને સ્કાયડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર નિકોલ એમાંની એક છે.