આ બીમારીમાં વ્યક્તિને ગુદા પાસેના ભાગમાં તૂટેલા વાળ જમા થાય છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની તૈયારી કરનાર ૨૧ વર્ષના એક યુવાનને બીજા વિશ્વયુદ્ધ સાથે સીધો સંબંધ નીકળ્યો છે. આ વિદ્યાર્થીને એક એવી બીમારી થઈ છે જે સૌપ્રથમ બીજા વિશ્વયુદ્ધમાં ઓળખાઈ હતી. પિલોનિડલ સાઇનસ કે જીપર્સ બૉટમ તરીકે ઓળખાતી આ બીમારીમાં વ્યક્તિને ગુદા પાસેના ભાગમાં તૂટેલા વાળ જમા થાય છે અને એને કારણે આંત્રપૂંછ આસપાસ પરું થાય છે અને દરદીને કરોડરજ્જુની આંત્રપૂંછમાં દુખાવો થાય છે. દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના તબીબોએ કહ્યું છે કે આ બીમારી પહેલી વાર બીજા વિશ્વયુદ્ધ ટાણે સૈનિકોમાં જોવા મળી હતી. વિદ્યાર્થી લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને તૈયારી કરતો હતો એટલે તેને બે નિતંબ વચ્ચેની તિરાડમાં અસહ્ય દુખાવો શરૂ થયો. ધીમે-ધીમે પરુંનું પ્રમાણ વધતું ગયું અને એને કારણે દુખાવો વધતો ગયો. અસહ્ય પીડા થતાં છેવટે તે પથારીવશ થઈ ગયો. હૉસ્પિટલના લેપ્રોસ્કોપિક અને લેસર સર્જરી વિભાગના તરુણ મિત્તલે કહ્યું કે ‘વિદ્યાર્થી ઝડપથી સાજો થઈને ફરીથી ભણવાનું શરૂ કરે એ માટે અમે એન્ડોસ્કોપિક પિલોનિડલ સાઇનસ ટ્રેક્ટ અબ્લેશન સર્જરી (EPSIT) કરવાનું નક્કી કર્યું. આમાં પરું ભેગું થયું હોય એ ભાગમાં સ્કોપ નાખીને જમા થયેલા વાળને ચીપિયાની મદદથી કાઢી નાખવામાં આવે છે. વાળ અને પરુંની સફાઈ કર્યા પછી જલદ પ્રવાહી નાખીને એટલો ભાગ બાળી નાખવામાં આવે છે. આ સર્જરી અડધો કલાક ચાલી હતી.’