હૉલીવુડની હિટ ફિલ્મ ‘કાસ્ટ અવે’માં પ્લેન-ક્રૅશ બાદ અવાવરુ ટાપુ પર ફસાઈ ગયેલો નાયક એક તબક્કે વૃક્ષના થડ દ્વારા ‘હેલ્પ’ લખીને મદદ માગે છે.
help
હૉલીવુડની હિટ ફિલ્મ ‘કાસ્ટ અવે’માં પ્લેન-ક્રૅશ બાદ અવાવરુ ટાપુ પર ફસાઈ ગયેલો નાયક એક તબક્કે વૃક્ષના થડ દ્વારા ‘હેલ્પ’ લખીને મદદ માગે છે. આ ઉપાય ફિલ્મના નાયકને તો બચાવતો નથી, પણ પૅસિફિક મહાસાગરમાં એક અજાણ્યા ટાપુ પર ફસાયેલા એક ખલાસીને આ ઉપાય ફળ્યો હતો. હાલમાં અમેરિકાના કોસ્ટગાર્ડના વિમાને સર્ચ-ઑપરેશન દરમ્યાન એક ટાપુના કાંઠે મોટા અક્ષરમાં અંગ્રેજીમાં ‘હેલ્પ’ લખેલું વાંચ્યું હતું. ત્યાર બાદ આ ટાપુ પરથી ગુમ થયેલો ખલાસી મળી આવ્યો હતો. વાત એમ હતી કે પૅસિફિક મહાસાગરમાં આવેલા અમેરિકાના ગુઆમ ટાપુનો ૪૦ વર્ષનો ખલાસી દરિયાઈ સફરે બોટ લઈને નીકળ્યો હતો. દરિયામાં બોટને નુકસાન થયા બાદ તે એક ટાપુ પર ફસાઈ ગયો હતો. આશરે એક સપ્તાહ પછી અમેરિકન કોસ્ટગાર્ડની જૉઇન્ટ રેસ્ક્યુ ટીમને ખલાસી ગુમ થયો હોવાની જાણ કરવામાં આવી હતી. આ તરફ ટાપુ પર ફસાયેલા પેલા ખલાસીએ મદદ માગવા માટે પામ વૃક્ષના મસમોટાં પાંદડાંની મદદથી બીચ પર મોટા અક્ષરે ‘હેલ્પ’ લખ્યું હતું. તેને શોધવા નીકળેલી કોસ્ટગાર્ડની ટીમની નજર આ લખાણ પર પડી હતી. એ પછી આકાશમાંથી તેને ફૂડ-પૅકેટ્સ તથા સંદેશવ્યવહાર માટે રેડિયો ડ્રૉપ કરવામાં આવ્યાં હતાં. બીજા દિવસે કોસ્ટગાર્ડની શિપને આ ટાપુ પર રવાના કરીને પેલા ખલાસીને ઉગારી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે કહ્યું હતું કે આટલા દિવસ માત્ર નારિયેળ પાણી પીને હું જીવતો રહ્યો હતો. આ ઘટના બાદ કોસ્ટગાર્ડે તમામ ખલાસીઓને તેમનું લોકેશન દર્શાવતા રેડિયો સાથે રાખવાની સૂચના આપી હતી.

