લિફ્ટના જ ખૂણામાં યુરિન પાસ કરી દીધું હતું. એ પછીયે તરસ છિપાવવા માટે એ વારંવાર હોઠ પર જીભ ફેરવતો રહ્યો હતો.
રવીન્દ્રન નાયર
કેરલાના તિરુવનંતપુરમની મેડિકલ કૉલેજ હૉસ્પિટલની લિફ્ટમાં ૪૨ કલાક સુધી લાઇટ, ફૂડ કે પાણી વિના રવીન્દ્રન નાયરે એક-એક કલાક કેટલી કપરી સ્થિતિમાં વિતાવ્યો હતો એની વ્યથા શૅર કરી હતી. હૉસ્પિટલ ઑથોરિટીનું કહેવું હતું કે લિફ્ટ આઉટ ઑફ ઑર્ડર હતી, પણ રવીન્દ્રનનું કહેવું હતું કે એ કામ નથી કરતી એવી નોટિસ લગાવવામાં નહોતી આવી. ધીમે-ધીમે મોતને નજીક આવતું જોઈ રહેલા રવીન્દ્રનનું કહેવું છે કે ‘હું પળેપળ મારા પરિવારજનોને યાદ કરતો હતો. હું તેમની યાદમાં ધ્રુસકે-ધ્રુસકે રડ્યો છું. મને નજર સામે મોત દેખાતું હતું, પણ મેં આ સ્થિતિમાંથી બચવાની આશા છોડી નહોતી. હું વિચારતો હતો કે કોઈક તો આ બગડેલી લિફ્ટને રિપેર કરવા આવશે.’ તેની પાસે નહોતું પાણી કે નહોતું ફૂડ. એને કારણે તે ભૂખ-તરસથી ઢીલો પડી રહ્યો હતો. રવીન્દ્રન કહે છે, ‘હું વારંવાર ઇમર્જન્સી બેલ વગાડ્યા કરતો હતો, કેમ કે મને અંદર ખબર નહોતી પડતી કે અત્યારે દિવસ હશે કે રાત. અંદર ખૂબ અંધારું હતું. જોકે લિફ્ટના દરવાજામાં સહેજ તિરાડ હતી એમાંથી મને શ્વાસ લઈ શકાય એટલી હવા મળતી હતી. એક તબક્કે મેં લિફ્ટના જ ખૂણામાં યુરિન પાસ કરી દીધું હતું. એ પછીયે તરસ છિપાવવા માટે હું વારંવાર હોઠ પર જીભ ફેરવતો રહ્યો હતો.’

