અત્યારે સૌથી મોટી બહેન ૬૦ વર્ષની છે અને એ પછી વીસ વર્ષના ગાળામાં નવ બહેનો છે.
આ છે તે નવ દીકરીઓ
લગભગ પાંચેક દાયકા પહેલાં માત્ર ભારતમાં જ નહીં, ચીન અને અન્ય દેશોમાં પણ દીકરો જ વંશ વધારે છે અને માબાપની ઘડપણની લાકડી બની શકે છે એવી માન્યતા પ્રવર્તતી હતી. એને કારણે દીકરો આવશે એના મોહમાં ઘરમાં દીકરીઓની લાઇન લાગી જતી. આવું જ કંઈક ચીનના એક પરિવારમાં થયું હતું. પૂર્વ ચીનના એક દંપતીએ વર્ષો પહેલાં દીકરાના મોહમાં દીકરીઓ પેદા કર્યે જ રાખી અને દીકરીઓની સંખ્યા નવ સુધી પહોંચી ગઈ.
આજે વર્ષો બાદ આ ઘટના સોશ્યલ મીડિયામાં ખાસ કારણોસર ચર્ચામાં આવી છે. નવ બહેનોમાંથી ચોથા નંબરની જિયાંગડી નામની દીકરીએ તેમની નવેય બહેનોનાં નામ પાછળની વાર્તા સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. તેણે લખ્યું હતું કે નવેય બહેનોનાં નામમાં ચીની વર્ણ ‘ડી’નો સમાવેશ થાય છે. એનો અર્થ થાય છે ભાઈ. પેરન્ટ્સે દરેક દીકરી જન્મી એનું નામકરણ કરતી વખતે પણ તેમની દીકરા માટેની ખેવના જાહેર કરી હતી.
ADVERTISEMENT
પહેલી દીકરીનું નામ છે ઝાઓડી જેનો અર્થ થાય ભાઈની યાચના, બીજી દીકરીનું નામ છે પાંડી જેનો અર્થ થાય ભાઈની પ્રતીક્ષામાં, ત્રીજી દીકરીનું નામ છે વાંગડી એનો પણ અર્થ છે ભાઈની રાહમાં, ચોથી દીકરીનું નામ છે જિયાંગડી જેનો અર્થ છે ભાઈ વિશે વિચારી રહી છું, પાંચમી દીકરીનું નામ છે લાઇડી જેનો અર્થ થાય છે ભાઈ આવી રહ્યો છે, છઠ્ઠી દીકરીનું નામ છે યિન્ગડી જેનો અર્થ થાય છે ભાઈનું સ્વાગત, સાતમી દીકરીનું નામ છે નિઆંડી જેનો અર્થ થાય છે ભાઈની કમી ખલે છે, આઠમી દીકરીનું નામ છે ચૌડી જેનો અર્થ થાય છે ભાઈને નફરત કરું છું, નવમી દીકરીનું નામ છે મેન્ગડી જેનો અર્થ થાય છે ભાઈનું સપનું.
અત્યારે સૌથી મોટી બહેન ૬૦ વર્ષની છે અને એ પછી વીસ વર્ષના ગાળામાં નવ બહેનો છે. એક બહેન પોસ્ટમાં લખે છે, ‘મારા પિતાને એક દીકરાની બહુ ઝંખના હતી એટલે તેમણે એની ઝંખનામાં સંતાનો કર્યાં અને બધીયે બહેનોનાં નામ પણ એવાં પાડ્યાં જેમાં ‘ભાઈ’નો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક આવતો હોય. અલબત્ત, અમને નવેય બહેનોને પણ તેમણે ખૂબ પ્રેમથી ઉછેરી છે.’

