આ રેકૉર્ડ ઘોડાએ ગઈ ૨૯ ઑક્ટોબરે બનાવ્યા હતા
Offbeat
ઘોડાએ પોતાના માલિક સાથે મળીને ત્રણ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા હતા
જોઈ શકતો ન હોવા છતાં અમેરિકાના એક ઘોડાએ પોતાના માલિક સાથે મળીને ત્રણ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા હતા. આ રેકૉર્ડ ઘોડાએ ગઈ ૨૯ ઑક્ટોબરે બનાવ્યા હતા, જેમાં પહેલો રેકૉર્ડ બ્લાઇન્ડ ઘોડાએ મારેલો સૌથી ઊંચો કૂદકો (૩ ફુટ ૫.૭૩ ઇંચ), એક મિનિટમાં કરેલા સૌથી વધુ ફેરબદલ અને પાંચ પૉલને માત્ર ૬.૯૩ સેકન્ડમાં પાર કર્યા હતા. તેની માલિક મૉર્ગન વૅગનરે કહ્યું કે ‘હું ૧૩ વર્ષની હતી ત્યારે મારી દાદીએ મને ઘોડો લઈ આપવાનું વચન આપ્યું હતું. એ દરમ્યાન ઘોડાના ટોળામાં મને એક શાનદાર નાનો ઘોડો દેખાયો જેનું નામ એન્ડો હતું. મને લાગ્યું કે આ સૌથી મહાન ઘોડો છે જેની દરેકને ખબર પડવી જોઈએ.’ મૉર્ગન અને એન્ડો એકસાથે જ મોટાં થયાં હતાં. એન્ડો જ્યારે ૮ વર્ષનો હતો ત્યારે મૉર્ગને જોયું કે એન્ડોની આંખ વારંવાર ઝૂકી રહી હતી. ઘોડાના નિષ્ણાતે એને મૂન બ્લાઇન્ડનેસ થયું હોવાનું નિદાન કર્યું હતું. એની આ બીમારીને કારણે આખરે એક દિવસ તેણે દૃષ્ટિ પૂરેપૂરી ગુમાવી દીધી. સમગ્ર વિશ્વભરમાં ઘોડાઓમાં અંધત્વનું આ એક મુખ્ય કારણ છે. એન્ડોની તકલીફ વધતાં પહેલાં જમણી આંખ અને એ પછી ડાબી આંખ કાઢી નાખવી પડી. ધીમે-ધીમે આંખે ન દેખાતું હોવા છતાં તે કઈ રીતે શોધખોળ કરવી એ શીખવા લાગ્યો. માલિકના પ્રેમ અને સમર્થનને કારણે તે ફરી એક વાર આત્મવિશ્વાસુ ઘોડો બની ગયો. વળી જે રેકૉર્ડ બનાવવાનો હતો એ કળા તો આ ઘોડો પહેલેથી જ જાણતો હતો, માત્ર એને ફાઇનટ્યુન કરવાનું હતું. બ્લાઇન્ડ થયા બાદ એ ફરીથી કૂદવાનું શીખ્યો અને આમ ધીરે-ધીરે એ નૅશનલ ચૅમ્પિયન બન્યો. મૉર્ગનને એવી આશા છે કે ઘોડાના માલિકો એન્ડોની સિદ્ધિઓ જાણીને પ્રેરિત થશે અને એની ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.