રોડ પરથી બચવા માટે કોબ્રા નજીકના ઘરના બગીચામાં ઝાડ પર ચડી ગયો હતો.
અજબગજબ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કર્ણાટકના અગુમ્બે ગામમાં એક જાયન્ટ કોબ્રાનું રેસ્ક્યુ ઑપરેશન જે દિલધડક રીતે થયું એનો વિડિયો અગુમ્બે રેઇનફૉરેસ્ટ રિસર્ચ સ્ટેશનના ફીલ્ડ ડિરેક્ટર અજયગિરિએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. ૧૨ ફુટ લાંબો આ કોબ્રા જ્યારે ફેણ ચડાવીને ઊંચો થાય છે એ જોઈને ભલભલાનાં હાંજા ગગડી જાય એવું દૃશ્ય રચાય છે. આ કોબ્રા પહેલાં તો અગુમ્બે ગામના એક કાચા રસ્તા પર જોવા મળ્યો હતો. જોકે ત્યાં કેટલાક લોકો એને જોઈ જતાં એની પાછળ પડ્યા હતા. રોડ પરથી બચવા માટે કોબ્રા નજીકના ઘરના બગીચામાં ઝાડ પર ચડી ગયો હતો. ત્યાંથી અજયગિરિની ટીમના યુવાનોએ કોબ્રાને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. લાંબી સાપ પકડવાની કપડાની થેલીમાં અંદર આપમેળે કોબ્રા જતો રહે એ માટે થેલીને દીવાલને અડીને પથ્થરની આડશે ગોઠવવામાં આવે છે અને પછી કોબ્રા પકડવાના આંકડાની મદદથી ઝાડ પરથી એને નીચે ઉતારવામાં આવે છે અને છટકાના મોઢા પાસે છોડી દેવામાં આવે છે.