રિલેક્સેશનનો નવો કીમિયો : ગાયોને ગળે મળીને સ્ટ્રેસ ઘટાડો
ગાયોને ગળે મળીને સ્ટ્રેસ ઘટાડો
આપણે ગાયને માતા માનીએ છીએ, પણ ગાયની નજીક જઈને એને ભેટવાનું અને વહાલ કરવાનું સાહસ બહુ ઓછા લોકો કરે છે. યુરોપિયન દેશોમાં ગાયોને એવી ટ્રેઇન કરવામાં આવી હોય છે જે તમારી સાથે એક ગલૂડિયાની જેમ ગેલ કરતી હોય છે. જાયન્ટ કદવાળી ગાયો બહુ માયાળુ હોય છે અને એટલે યુરોપમાં તાણમુક્ત થવા માટે કાઉ કડલિંગ સેશન બહુ ફેમસ છે. આ જ પ્રયોગ હવે અમેરિકાના ન્યુ યૉર્કમાં શરૂ થયો છે.
ADVERTISEMENT
અહીં ખાસ નૅધરલૅન્ડ્સના એક ફાર્મમાંથી બે ગાયો લાવવામાં આવી છે. ન્યુ યૉર્કમાં આ ગાયો કાઉ કડલિંગ સર્વિસ આપે છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાયો સાથે એક કલાક ગાળ્યા પછી વ્યક્તિ તાણમુક્ત મહેસૂસ કરે છે. જોકે આવા એક કલાકના સેશન માટે ૭૫ ડૉલર એટલે કે લગભગ ૫૨૦૦ રૂપિયા ખર્ચવા પડે. ૩૩ એકરમાં ફેલાયેલા માઉન્ટન હાઉસ ફાર્મમાં આ નજરાણું શરૂ થયું છે. આ પહેલાં અહીં ૯ વર્ષથી ઘોડાની સાથે વેલનેસ સેશન આપવાનો કાર્યક્રમ ચાલતો હતો. આ ફાર્મની માલિકણ સુઝૅન વૂલર્સે પાળેલી ગાયોનું નામ છે બોની અને બેલા.
આ પણ વાંચો : અમેરિકા અને મેક્સિકોની સરહદ બની બાળકોના રમતનું મેદાન
અમેરિકામાં ડૉગ અને કૅટ થેરપી બહુ ફેમસ છે, પણ મોટા જાનવરોથી લોકો દૂર જ રહે છે. સૂઝનનું કહેવું છે કે ગાયની બાજુમાં એને અડીને શાંતિપૂર્વક બેસવાથી તમે એની ધડકન પણ સાંભળી શકો છો. એમ કરવાથી તમારી બધી પરેશાનીઓ ભુલાઈ જાય છે. આ ફાર્મમાં દિવસમાં બે જવાર આ કડલિંગ સેશન થાય છે જેથી લોકોનો સ્ટ્રેસ દૂર કરવામાં ગાયો સ્ટ્રેસમાં ન આવી જાય.