ત્રણ વર્ષથી આ ભાઈ ઘરની બહાર નીકળે કે તરત કાગડા હુમલો કરે છે
આ ભાઈ પર કાગડાઓ કરે છે હુમલો
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના સુમેલા ગામમાં રહેતા શિવા કેવટ નામના ભાઈ માટે છેલ્લાં ત્રણ વર્ષથી ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે. તેઓ જ્યારે પણ ઘરેથી નીકળે કે તરત તેમણે ચારેબાજુ જોતા રહેવું પડે છે. ક્યાંકથી આસમાની આફતના સ્વરૂપે કાગડા તૂટી ન પડે એનું ધ્યાન રાખવું પડે છે. એનું કારણ એ છે કે તેમને જોઈને કાગડા તેમની પર તૂટી પડે છે અને કાંવ-કાંવ અવાજ સાથે પંજા અને ચાંચ મારીને જાય છે. આવું લગભગ રોજ થાય છે.
ADVERTISEMENT
જેટલી વાર તેઓ ઘરેથી નીકળે એટલે કાગડાનો હુમલો થાય. આખા ગામ માટે તો હવે એ મનોરંજન બની ગયું છે. આ સમસ્યાની શરૂઆત ત્રણ વર્ષ પહેલાંથી થઈ જ્યારે તે એક લોખંડની જાળીમાં ફસાયેલા કાગડાના બચ્ચાને કાઢવાની કોશિશ કરી રહ્યો હતો. શિવાનું કહેવું છે કે, ‘ફસાયેલા બચ્ચાને બચાવવા મેં ઘણા પ્રયત્ન કર્યા પણ તે બચી ન શક્યું અને મારા હાથમાં જ દમ તોડી દીધો. જોકે અન્ય કાગડાઓને લાગે છે કે મેં તેને મારી નાખ્યું. હું તો તેને મદદ કરવા માગતો હતો.’
આ પણ વાંચો : 5 ઇન્ચનો અંગૂઠો બતાવીને ટિકટોક સ્ટાર બન્યો આ છોકરો, જુઓ વીડિયો
હવે રોજ શિવાએ સાથે લાકડી લઈને ચાલવું પડે છે જેથી માથે મંડરાતા કાગડા તેનાથી દૂર રહે. શિવાના માથા અને શરીર પર કાગડાની ચાંચ અને પંજાના અનેક ઘા લાગેલા છે. નવાઈની વાત એ છે કાગડાઓને માણસોનો ચહેરો યાદ રાખતા આવડે છે અને તેમની દુશ્મની આટલી લાંબી ચલાવે છે. અમેરિકન યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનના સંશોધકોનું કહેવું છે કે કાગડાઓની યાદશક્તિ બહુ તેજ હોય છે. તેમને સતાવનાર માણસોના ચહેરા તેઓ યાદ રાખી શકે છે.