બાળકોએ ૧૦૦ ફુટ ઊંચા ક્રિસમસ ટ્રી પર લગાવ્યા ૫૧,૬૨૬ સંદેશાઓ
પશ્ચિમના દેશોમાં ક્રિસમસની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે ઠેર-ઠેર ઊંચાં અને અજીબોગરીબ સજાવટવાળાં ક્રિસમસ ટ્રીની સજાવટ થઈ રહી છે. જોકે જપાનના મોરિયામા શહેરમાં કેટલાક બાળકોએ સૅન્ટાને પોતાની વિશ પહોંચાડવા માટે એક ક્રિસમસ ટ્રી પર હજારોની સંખ્યામાં સંદેશાઓ લગાવવાનું શરૂ કર્યું છે. નાકાસુ એલિમેન્ટરી સ્કૂલ પાસે ૧૦૦ ફુટ ઊંચું ક્રિસમસ ટ્રી છે જેની પર સ્થાનિક સ્કૂલ અને ડેકૅર સેન્ટર્સના બાળકોએ પોતાની અને પોતાના શહેર માટેની ઇચ્છાઓ લખીને લટકાવી છે. આ માટે બાળકોને ૩.૭ ઈંચનું રિફ્લેક્ટિવ કાર્ડ આપવામાં આવ્યું હતું. આ ટ્રી પર ૫૧,૬૨૬ સંદેશાઓની ચમકીલી પરચીઓ લાગેલી હતી જેને કારણે ક્રિસમસ ટ્રી મસ્ત સજી ગયું હતું. મોરિયામા ટાઉનને સિટીનો દરજ્જો મળ્યાને આ પચાસમું વર્ષ છે જેની ઉજવણીના ભાગરૂપે આ ઇવેન્ટ થઈ હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા એને સૌથી વધુ મેસેજ નોટ્સવાળા ક્રિસમસ ટ્રીનો ખિતાબ મળ્યો હતો. આ સંદેશાઓની ચિઠ્ઠીઓ ૨૬ ડિસેમ્બર સુધી આ ટ્રી પર લટકાવેલી રાખવામાં આવશે.