છેલ્લાં સાતેક વર્ષથી તેઓ આ કામ પાછળ લાગેલાં છે
અજબગજબ
એગ્નસ કાસ્પરકોવાએ ૯૪ વર્ષની ઉંમરે એક અનોખું જીવનલક્ષ્ય હાથ ધર્યું છે
ચેક રિપબ્લિકના દક્ષિણ મોરવિયામાં આવેલા માત્ર ૭૦ જણની વસ્તી ધરાવતા નાનકડા સુંદર ગામ લોઉકાનાં દાદી એગ્નસ કાસ્પરકોવાએ ૯૪ વર્ષની ઉંમરે એક અનોખું જીવનલક્ષ્ય હાથ ધર્યું છે. તેઓ આખા ગામનાં બધાં જ ઘરોની બહારની દીવાલો અને બારીની આજુબાજુ સફેદ દીવાલો પર ઇલેક્ટ્રિક બ્લુ રંગથી સુંદર મોરેવિયન ફૂલપાન મોટિફની ચિત્રકારી કરીને ગામની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યાં છે. છેલ્લાં સાતેક વર્ષથી તેઓ આ કામ પાછળ લાગેલાં છે.
એગ્નસ કાસ્પરકોવા પહેલાં ખેતરમાં કામ કરતાં હતાં અને એ કામમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કલાકાર બનવાના પોતાના સપનાને પૂર્ણ કરવા ચિત્રકારી શીખીને પોતાના શોખને ગામને સુંદરતા આપવાના લક્ષ્યમાં પરાવર્તિત કરી સાબિત કર્યું છે કે જીવનમાં કોઈ પણ વયે કોઈ પણ સપનું પૂર્ણ કરી શકાય છે. હાલમાં લગભગ ૯૪ વર્ષની વયે તેઓ ટેકા સાથે ઊભાં રહે છે અને ટેકો દઈને માંડ બેસી શકે છે, પણ આ શારીરિક તકલીફો તેમના આ કળાપ્રેમને ઓછો કરી શકતી નથી. તેઓ સીડી પર ચડીને પણ દીવાલો પર બેસ્ટ ક્વૉલિટીના રંગ વડે વિના મૂલ્ય થાક્યા વિના પેઇન્ટિંગ કરે છે.