આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી બધું શક્ય છે અને એ પણ ઝડપથી, જેનો લાભ ૭મા ધોરણમાં ભણતા અર્જુન નામના વિદ્યાર્થીએ પોતાના હોમવર્ક માટે કર્યો હતો
સાતમા ધોરણમાં ભણતા કિશોરે એઆઇ પાસે કરાવ્યું હોમવર્ક, પણ પકડાઈ ગયો
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી બધું શક્ય છે અને એ પણ ઝડપથી, જેનો લાભ ૭મા ધોરણમાં ભણતા અર્જુન નામના વિદ્યાર્થીએ પોતાના હોમવર્ક માટે કર્યો હતો. પ્રયત્ન સફળ પણ થયો, પરંતુ કૉપી કરી છે એ પકડાઈ ગઈ. અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં કાર્યરત કંપની વૉલનટના સીઈઓ રોશન પટેલે ટ્વિટર પર આ વાત શૅર કરી છે જેમાં તેમનો પિતરાઈ ભાઈ ૭મા ધોરણના ઇંગ્લિશ હોમવર્ક માટે ચૅટજીપીટીનો ઉપયોગ કરતાં પકડાઈ ગયો હતો. ૧૨ લાખ કરતાં વધુ લોકોએ આ ટ્વીટ જોઈ હતી, જેમાં ચૅટજીપીટી દ્વારા કહેવામાં આવેલી ‘લૅન્ગ્વેજ મૉડલમાં મારી પાસે કોઈ અંગત અભિપ્રાય નથી’ એ વાતને યલો કલરમાં હાઇલાઇટ કરવામાં આવી છે. અર્જુને ચૅટબોટ જેકંઈ કહેતું એ સીધું લખવાનું કામ કર્યું હતું. એને કારણે ૭મા ધોરણનાં બાળકો સામાન્ય રીતે ન વાપરે એવા શબ્દો પણ દેખાય છે. યુઝરે આ વિશે જાતજાતની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે ‘કિશોર કંઈ પણ વિચાર્યા વગર આવું બધું કઈ રીતે લખી શકે? અન્ય એક યુઝરે લખ્યું કે હાલમાં ભલે પકડાઈ ગયો હોય, પણ ભવિષ્યમાં વધુ સ્માર્ટ બનશે.