છેલ્લાં ૨૦ વર્ષમાં જકાર્તા વિશ્વનું સૌથી ગીચ શહેર પૈકીનું એક બન્યું છે
Offbeat News
જકાર્તામાં શૉપિંગ મૉલની ઉપર ૭૮ મકાનોની સોસાયટી
ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં ૧૦ માળના એક શૉપિંગ સેન્ટરની ઉપર એક સોસાયટી છે. આ દુનિયાની અનોખી સોસાયટી છે. છેલ્લાં ૨૦ વર્ષમાં જકાર્તા વિશ્વનું સૌથી ગીચ શહેર પૈકીનું એક બન્યું છે. શહેરમાં એક કરોડ કરતાં વધુ લોકો વસે છે. પરિણામે જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે અને જગ્યાની તંગી પણ છે. ટોક્યોમાં જેમ ઊંચી-ઊંચી ઇમારતો બને છે એવું જકાર્તામાં નથી. મોટા ભાગના લોકો ઊંચી ઇમારતોમાં રહેવાનું પસંદ કરતા નથી એથી બિલ્ડરોએ કંઈક નવું વિચારવું પડે છે. એમાંથી કૉસ્મો પાર્ક અસ્તિત્વમાં આવ્યો છે. અહીં શૉપિંગ મોલની ઉપર કુલ ૭૮ જેટલાં બે માળનાં મકાનો છે. આસપાસ પુષ્કળ હરિયાળી, સ્વિમિંગ-પૂલ, ડામરના રસ્તા અને ટેનિસ કોર્ટ પણ છે. કૉસ્મો પાર્ક કોઈક સબર્બ જેવું લાગે છે. પરંતુ સમગ્ર પાર્ક ૧૦ માળના શૉપિંગ મૉલ થમરિન સિટી મૉલની ટોચ પર આવેલો છે. કૉસ્મો પાર્ક ૧૪ વર્ષથી છે. ઇન્ડોનેશિયાની રાજધાનીની બહાર લોકોને આના વિશે ભાગ્યે જ ખબર હતી, પરંતુ ટ્વિટર પર ફોટો વાઇરલ થતાં લોકો આશ્ચર્યચકિત થયા હતા. અહીંના રહેવાસીઓએ પણ સ્વીકાર્યું કે જ્યારે તેમણે પહેલી વખત આ વિલાના ફોટો જોયો ત્યારે વિચિત્ર લાગતું હતું, પરંતુ આ સ્થળની મુલાકાત બાદ અહીંની શાંતિ ગમી ગઈ હતી. રહેવાસીઓ ખાસ રૅમ્પ દ્વારા આ કૉમ્પ્લેક્સમાં આવે છે. ૨૦૧૯માં કૉસ્મો પાર્કનાં ઘરોની કિંમત ૩૦થી ૫૦ લાખ ઇન્ડોનેશિયા રૂપિયા અર્થાત્ ૧.૬૪થી ૨.૭૪ કરોડ રૂપિયા હતી.