રામ મોહન વિહાર વિસ્તારમાં ૭ વર્ષના બાળકને રાતે મોબાઇલ જોવો હતો, પણ મમ્મી કે પપ્પાના ફોનનું લૉક નહોતું ખૂલતું
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
અત્યારે લોકોમાં ખાસ કરીને બાળકોમાં મોબાઇલનું વળગણ એટલી હદે વધી ગયું છે કે ‘પ્રભાતે કર દર્શનમ્’ને બદલે ‘પ્રભાતે મોબાઇલ દર્શનમ્’ જોવા મળે છે. આગરાના દયાળબાગની આંખ-કાન બધું જ ખોલે એવી ઘટના બની છે. રામ મોહન વિહાર વિસ્તારમાં ૭ વર્ષના બાળકને રાતે મોબાઇલ જોવો હતો, પણ મમ્મી કે પપ્પાના ફોનનું લૉક નહોતું ખૂલતું. તે લૉક ખોલવા મથતો હતો એમાં ઇમર્જન્સી કૉલ લાગી ગયો. પોલીસ કન્ટ્રોલ-રૂમમાંથી ફોન રિસીવ થયો અને કૉલ કરવાનું કારણ પૂછ્યું તો ટાબરિયાએ ફરિયાદ કરી કે ‘મમ્મી-પપ્પા મારે છે.’ બસ, પોલીસ પહોંચી ગઈ ઘરે. મમ્મી-પપ્પાને પૂછ્યું તો ખબર પડી કે છોકરો ખોટું બોલ્યો હતો. મોબાઇલ ફોનનું લૉક નહોતું ખૂલતું એમાં કૉલ લાગી ગયો એટલે ગુસ્સામાં તેણે આવું કહ્યું હતું. પોલીસે બાળકને પ્રેમથી સમજાવ્યો અને બીજી વાર આવું ન કરવાની સલાહ આપી.