મથુરા વૃન્દાવન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા આઠ પ્લૉટને ઑનલાઇન ઑક્શન માટે રાખવામાં આવ્યા હતા
લાઇફમસાલા
પ્લૉટ
ઉત્તર પ્રદેશના વૃન્દાવનમાં હાલમાં જ કેટલાક પ્લૉટ માટે ઑનલાઇન ઑક્શન કરવામાં આવ્યું હતું, જેમાં ૬૦ લાખ રૂપિયાનો પ્લૉટ ૩૦ કરોડ રૂપિયામાં વેચાયો છે. મથુરા વૃન્દાવન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા આઠ પ્લૉટને ઑનલાઇન ઑક્શન માટે રાખવામાં આવ્યા હતા. રુક્મિણી વિહારમાં ૨૭૦૦ સ્ક્વેર ફીટના એક પ્લૉટનો ટોટલ આઠ પ્લૉટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્લૉટની ઓરિજિનલ કિંમત ૬૦ લાખ રૂપિયા હતી. જોકે એમાં ડ્રામેટિક ટર્ન આવતાં આ પ્લૉટ ૩૦ કરોડ રૂપિયામાં વેચાયો હતો. આ કિંમતને જોઈને ડેવલપમેન્ટ ઑથોરિટી પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. આ પ્લૉટમાં એવું તો શું છે જેની આટલી ઊંચી કિંમત આવી છે એ વિશે તેઓ તપાસ કરી રહ્યા છે. અન્ય એક ૨૪૫૦ સ્ક્વેર ફીટનો પ્લૉટ પણ ૧૯.૧૧ કરોડ રૂપિયામાં વેચાયો છે. આટલી ઊંચી કિંમત ઑક્શનને ગેરમાર્ગે દોરવા માટે રાખવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આથી એ વિશે તપાસ ચાલી રહી છે કે આ જમીન માટે જેમણે બોલી લગાવી હતી તેઓ ખરેખર એટલી કિંમતમાં એને ખરીદવા માગે છે કે કેમ. આ ઑક્શનમાં બોલી લગાવવા પહેલાં સિક્યૉરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે છે. જો બોલી જે-તે વ્યક્તિ જીતી ગઈ હોય અને તે એ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહે તો તેની સિક્યૉરિટી ડિપોઝિટ પાછી આપવામાં નથી આવતી.