આ દાંતનું વજન ૧૫૦ કિલો અને લંબાઈ ૨.૬ મીટર (૮.૫ ફુટ) છે
ઇઝરાયલમાંથી મળ્યા પાંચ લાખ વર્ષ જૂના વિશાળ હાથીદાંત
ઇઝરાયલના પુરાતત્ત્વવિદોએ ગયા બુધવારે હાલ લુપ્ત થયેલા હાથીના અંદાજે પાંચ લાખ વર્ષ જૂના એક દાંતનું પ્રદર્શન કર્યું હતું, જેનો એ સમયના આદિ માનવો દ્વારા કોઈ એક સામાજિક વિધિ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આ દાંતનું વજન ૧૫૦ કિલો અને લંબાઈ ૨.૬ મીટર (૮.૫ ફુટ) છે. ઇઝરાયલના એક ગામ રેવાડિમ નજીક ખોદકામ સ્થળ પર જીવવિજ્ઞાની ઇતાન મોરને એ મળ્યો હતો. ખોદકામના નિર્દેશક એવી લેવીએ કહ્યું હતું કે આ દાંતને કાળજીપૂર્વક સાચવવામાં આવ્યો હતો. આ હાથીના દાંત એકદમ સીધા હતા, જે આ વિસ્તારમાંથી અંદાજે ૪ લાખ વર્ષ પહેલાં નાશ પામ્યા હતા. દાંતની બાજુમાં આદિ માનવ પ્રાણીઓને કાપવા તેમ જ એની ચામડી કાઢવા માટે જે સાધનોનો ઉપયોગ કરતો હતો એ પણ મળી આવ્યાં હતાં. અહીં રહેનાર આદિ માનવ આફ્રિકાથી આવ્યા કે પછી એશિયા કે યુરોપમાંથી આવ્યા હતા એની ખબર નથી. અહીં કોઈ માનવીના અવશેષ મળ્યા નથી. માત્ર પ્રાણીઓનાં હાડકાં તેમ જ આદિ માનવ જે સાધનોનો ઉપયોગ કરતો હતો એ મળી આવ્યાં છે. દાંતના આકારને જોતાં એવું કહી શકાય કે આવા હાથી અંદાજે પાંચ મીટર (૧૬.૫ ફુટ) ઊંચા હશે, જે હાલના વિશાળ કદના આફ્રિકાના હાથીઓ કરતાં ઘણા મોટા કહી શકાય. અહીંના આદિ માનવ માટે હાથીઓનો શિકાર એક સામાજિક કાર્ય હોવું જોઈએ, એથી શિકાર બાદ અમુક પ્રકારની ધાર્મિક વિધિઓ વિકસાવી હોવી જોઈએ.

