અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક અનોખી માતાની ચર્ચા થઈ રહી છે. ૧૦૦ વર્ષની ઉંમરે એ પહેલી વાર માતા બની છે અને એ પણ એક સાથે ચાર-ચાર સંતાનોની. મૉમી નામની ગૅલાપૅગોસ કાચબીએ ફિલાડેલ્ફિયાના ઝૂમાં ચાર બચ્ચાંને જન્મ આપીને સૌથી મોટી વયે મા બનવાનો રેકૉર્ડ કર્યો છે.
મૉમી નામની ગૅલાપૅગોસ કાચબી
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક અનોખી માતાની ચર્ચા થઈ રહી છે. ૧૦૦ વર્ષની ઉંમરે એ પહેલી વાર માતા બની છે અને એ પણ એક સાથે ચાર-ચાર સંતાનોની. મૉમી નામની ગૅલાપૅગોસ કાચબીએ ફિલાડેલ્ફિયાના ઝૂમાં ચાર બચ્ચાંને જન્મ આપીને સૌથી મોટી વયે મા બનવાનો રેકૉર્ડ કર્યો છે. નવાઈની વાત એ છે કે આ મૉમી કાચબાના સૌથી પહેલાં સંતાનો છે. મૉમીના પાર્ટનરનું નામ અબ્રાઝો છે. કાચબાની ગૅલાપૅગોસ પ્રજાતિ અત્યારે લુપ્ત થવાના આરે છે ત્યારે એમનું સંવર્ધન કરવા માટે ઝૂના વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયત્ન કર્યા હતા. મૉમી ૧૯૩૨માં ઝૂમાં આવી ત્યારે માત્ર ચાર વર્ષની હતી. મૉમીને અબ્રાઝોનો સાથ છેક ૨૦૨૦માં મળ્યો હતો. એ પછી ગયા વર્ષના નવેમ્બરમાં મૉમીએ ૧૬ ઈંડાં આપ્યાં હતાં. ઝૂના નિષ્ણાતોએ એ ઈંડાંને અલગ-અલગ તાપમાન પર સેવવા માટે રાખ્યાં હતાં. કહેવાય છે કે આ ઈંડાંને કયા તાપમાને સેવવામાં આવે છે એના આધારે બચ્ચાનું લિંગ નક્કી થાય છે. ૮૫.૧ ડિગ્રીથી વધુ તાપમાને માદા જન્મે છે અને ૮૨.૪ ડિગ્રીથી ઓછા તાપમાને નર જન્મે છે. ફેબ્રુઆરી મહિનાથી આ ઈંડાં આપમેળે સેવાઈને ફૂટવાનું શરૂ થયું છે. અત્યાર સુધીમાં ચાર ઈંડાં ફૂટ્યાં છે જેમાંથી ચાર માદા બચ્ચાં બહાર આવ્યાં છે. બધાનું વજન લગભગ ૭૦થી ૮૦ ગ્રામ છે. આ બચ્ચાંને અત્યારે પ્રોટેક્શનમાં રાખવામાં આવ્યાં છે. ૨૩ એપ્રિલે આ બચ્ચાંને લોકો જોઈ શકશે કે નહીં, કેમ કે એ દિવસે મૉમી કાચબી ફિલાડેલ્ફિયામાં આવી એની ૯૩મી ઍનિવર્સરી છે.
આ પહેલાં પણ મૉમી કાચબીએ ચાર વાર ઈંડાં આપ્યાં હતાં, પરંતુ એકેય વાર ઈંડાંમાંથી બચ્ચાં જન્મી શક્યાં નહોતાં.

