પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં મોદી સરકાર દ્વારા 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. એઇમ્સ (AIIMS) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે મનમોહન સિંહનું નિધન 92 વર્ષની વયે વૃદ્ધાવસ્થાના આરોગ્ય સમસ્યાઓને કારણે થયું છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે આજે, 27 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. મનમોહન સિંહને ભારતના આર્થિક સુધારાના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. 2004માં પ્રધાનમંત્રી બનતા પહેલા તેમણે ભારત સરકારમાં વિવિધ પદો પર સેવા આપી હતી. ડૉ. મનમોહન સિંહે 2004થી 2014 સુધીના સતત 10 વર્ષના કાર્યકાળ સાથે ભારતના 14મા વડાપ્રધાન તરીકે કાર્યકાળ સાંભળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ વરિષ્ઠ નેતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.