યોગી આદિત્યનાથ સહિતના બીજેપીના નેતાઓએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણ બાબતે સવાલો ઉઠાવવા બદલ કૉન્ગ્રેસ અને રાહુલની આકરી ટીકા કરી
ફાઇલ તસવીર
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણ બાબતે સવાલો ઉઠાવવા બદલ કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ અને રાહુલ એ બદલ દેશની માફી માગે.
રાહુલે કહ્યું હતું કે ‘અરુણાચલમાં ભારતીય સૈનિકો પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે સરકાર સૂઈ રહી હતી. ચીન ફુલ ફ્લેજ્ડ યુદ્ધ માટે તૈયારી કરી રહ્યું છે અને સરકાર આ જોખમની ઉપેક્ષા કરી રહી છે.’
ADVERTISEMENT
યોગીએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ અત્યંત અમર્યાદિત અને રાષ્ટ્રવિરોધી તત્ત્વોને પ્રોત્સાહન આપનારું, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને બહાદુર ભારતીય સેનાનું અપમાન કરનારું છે. આ પહેલી વખત બન્યું નથી, આ પહેલાં જ્યારે ડોકલામમાં પણ ઘૂસણખોરી થઈ હતી, એ સમયે પણ કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધીનું ચરિત્ર ખુલ્લું થયું હતું. તેઓ ચીનના દૂતાવાસને મળીને ભારતવિરોધી કૃત્યોમાં જોડાયા હતા. રાહુલ ગાંધી દેશ અને દેશની જનતા અને જવાનોની માફી માગે.’
અમે ક્યારેય વિપક્ષોમાંથી કોઈ પણ લીડરના ઇરાદાને લઈને સવાલ કર્યા નથી. અમે માત્ર નીતિઓના આધારે જ ચર્ચા કરી છે. પૉલિટિક્સ સચ્ચાઈ પર આધારિત હોવું જોઈએ. લાંબા સમય સુધી જૂઠાણાં આધારિત પૉલિટિક્સ ન કરી શકાય.
રાજનાથ સિંહ, સંરક્ષણપ્રધાન (રાહુલ ગાંધીની પરોક્ષ ટીકા કરતાં આમ જણાવ્યું)
રાહુલ દેશના આર્મ્ડ ફોર્સિસનું મૉરલ ઘટાડવા માટે ચીનની ભાષા બોલી રહ્યા છે, જેનાથી તેમની દેશભક્તિ સામે પ્રશ્નાર્થચિહ્ન મુકાય છે.
જે. પી. નડ્ડા, બીજેપીના અધ્યક્ષ