Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જંતર મંતર પર બખડજંતર! રેસલર્સની પોલીસ સાથે ‘કુસ્તી’

જંતર મંતર પર બખડજંતર! રેસલર્સની પોલીસ સાથે ‘કુસ્તી’

Published : 05 May, 2023 11:45 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોલ્ડિંગ બેડને લઈને ધરણાસ્થળ રણભૂમિમાં ફેરવાઈ ગયું, રેસલર્સે ખેડૂતોને સમર્થન આપવા હાકલ કરી, મેડલ્સ પાછા આપવાની વાત કરી

નવી દિલ્હીના જંતરમંતરમાં બુધવારે મોડી રાતે થયેલી અથડામણ દરમ્યાન પોલીસ અને રેસલર્સ. મીડિયા સાથેની વાતચીત દરમ્યાન રેસલર્સની આંખો ભીની થઈ ગઈ હતી. તસવીર પી.ટી.આઇ.

નવી દિલ્હીના જંતરમંતરમાં બુધવારે મોડી રાતે થયેલી અથડામણ દરમ્યાન પોલીસ અને રેસલર્સ. મીડિયા સાથેની વાતચીત દરમ્યાન રેસલર્સની આંખો ભીની થઈ ગઈ હતી. તસવીર પી.ટી.આઇ.


નવી દિલ્હીમાં જંતરમંતરનું ધરણાસ્થળ બુધવારે મોડી રાતે રણભૂમિમાં ફેરવાઈ ગયું હતું. વિરોધ-પ્રદર્શન કરી રહેલા રેસલર્સ અને દિલ્હી પોલીસ આમને-સામને આવી ગયા હતા. બોલાચાલી થોડી મિનિટોમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. કોઈનું માથું ફૂટ્યું, તો કોઈના હાથ-પગમાં ઈજા થઈ. અનેક રેસલર્સને ઈજા થઈ છે. એક વ્યક્તિ બેભાન થઈ ગઈ હતી તેને હૉસ્પિટલ લઈ જવાઈ હતી. રેસલર્સે પોલીસ પર મારમારીનો આરોપ મૂક્યો છે. રેસલર્સે જાહેર કર્યું છે કે તેઓ નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્તરે જીતેલા તમામ મેડલ્સ પાછા આપી શકે છે.
બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સહિત ભારતના કેટલાક ટોચના રેસલર્સ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપને લઈને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ અને બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી રહ્યા છે.


અડધી રાતે શું થયું હતું?



રાતે ૧૧ વાગ્યે જંતરમંતર પર જે લડાઈ થઈ એનું કારણ ફોલ્ડિંગ બેડ હતું. વાસ્તવમાં વરસાદને કારણે ગાદલાં પલળી ગયાં હતાં, એવામાં ધરણાસ્થળે ફોલ્ડિંગ બેડ લાવવામાં આવી રહ્યા હતા. જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે લડાઈ શરૂ થઈ હતી. રેસલર્સના જણાવ્યા અનુસાર પોલીસે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. વિનેશ ફોગાટ મીડિયા સાથે વાત કરતી વખતે રડી પડી હતી. તેણે કહ્યું કે જો તેઓ અમને મારી નાખવા માગતા હોય તો મારી નાખે. પોલીસનો દાવો છે કે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પોતાના સપોર્ટર્સ સાથે બેડ લઈને પહોંચ્યા હતા, જ્યારે બજરંગ પુનિયાએ દાવો કર્યો હતો કે તેમણે બેડનો ઑર્ડર આપ્યો હતો અને તેઓ એને અંદર લઈ જઈ રહ્યા હતા એ સમયે મારામારી થઈ હતી. સોમનાથ ભારતી ત્યાં નહોતા.


પહેલવાનોએ શું આરોપ મૂક્યો?

ભૂતપૂર્વ રેસલર રાજવીરે કહ્યું કે અમે ફોલ્ડિંગ બેડ લાવી રહ્યા હતા, પરંતુ પોલીસે એ માટે પરમિશન નહોતી આપી. નશામાં ધૂત પોલીસમૅન ધર્મેન્દ્રએ વિનેશ ફોગાટને અપશબ્દો કહ્યા અને અમારી સાથે મારામારી કરી હતી. તેમણે અમને મારવાનું શરૂ કર્યું હતું. બજરંગ પુનિયાના સાળા દુષ્યંત અને રાહુલને માથામાં માર વાગ્યો છે. એ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળે ડૉક્ટરને પહોંચવા નહોતા દીધા.


ખેડૂતોને અપીલ

બજરંગ પુનિયાએ ખેડૂતો અને તેમના લીડર્સને ધરણાસ્થળે પહોંચવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસની ગુંડાગીરી હવે નહીં ચાલે. અમે ખેડૂતોને મોટી સંખ્યામાં એકત્ર થવા માટે બોલાવીશું. ટ્રૅક્ટર કે ટ્રૉલી, તમને જેકંઈ મળે એમાં બેસીને અહીં આવી જાઓ.

આ પણ વાંચો : પી. ટી. ઉષાએ રેસલર્સને કહ્યું કે હું સૌપ્રથમ ઍથ્લીટ છું, પછી એક ઍડ‍્મિનિસ્ટ્રેટર

પોલીસે શું કહ્યું?

ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રણવ તયાલે કહ્યું કે ‘આપના નેતા સોમનાથ ભારતી ફોલ્ડિંગ બેડ લઈને પહોંચ્યા હતા. સોમનાથ ભારતીને એ માટે પરમિશન નહોતી. દિલ્હી પોલીસે તેમને અટકાવ્યા હતા. ના પાડવા છતાં સોમનાથ ભારતીના સપોર્ટર્સ આક્રમક બની ગયા અને ટ્રકમાંથી બેડ કાઢવાની કોશિશ કરવા લાગ્યા હતા. તેમણે બૅરિકેડ્સ તોડીને આગળ વધવાની કોશિશ કરી એ પછી સામાન્ય બોલાચાલી થઈ હતી.

જંતરમંતર કિલ્લો બન્યો

દિલ્હી પોલીસે ગઈ કાલે જંતરમંતરને જાણે કિલ્લામાં ફેરવી દીધું હતું. રેસલર્સ અને પોલીસ વચ્ચેની અથડામણ બાદ ભારે સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બૅરિકેડ્સનાં અનેક લેયર્સ મૂકવામાં આવ્યાં છે અને કોઈને પણ ધરણાસ્થળે જવાની મંજૂરી આપવામાં આવતી નથી.

રેસલર્સ વિરુદ્ધ બળનો ઉપયોગ નથી કર્યો : પોલીસ

રેસલર્સ અને પોલીસ વચ્ચે જંતરમંતર ખાતે મોડી રાતે અથડાણ દરમ્યાન પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો અને એનો ઑફિસર નશામાં ધૂત હોવાના આરોપને ગઈ કાલે દિલ્હી 
પોલીસે ફગાવી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ અથડામણમાં પાંચ પોલીસને ઈજા થઈ હતી. એ રાતે પૂરતી સંખ્યામાં મહિલા ઑફિસર્સ ડ્યુટી 
પર હતી.

"દેશની ખેલાડીઓ સાથે આવો વર્તાવ ખૂબ શરમજનક છે. ‘દીકરી બચાવો’ માત્ર એક ઢોંગ છે. વાસ્તવમાં બીજેપી ભારતની દીકરીઓ પર અત્યાચાર કરવાથી ક્યારેય પાછળ નથી ખસી". - રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના નેતા

સુપ્રીમ કોર્ટે મહિલા રેસલર્સની અરજી પર કાર્યવાહી બંધ કરી 

સુપ્રીમ કોર્ટે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ વિરુદ્ધ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ મૂકનાર ત્રણ મહિલા રેસલર્સની એક અરજી પરની કાર્યવાહી ગઈ કાલે બંધ કરી દીધી હતી. અદાલતે નોંધ્યું હતું કે એફઆઇઆર નોંધવામાં આવ્યો છે અને ૭ ફરિયાદીને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2023 11:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK