બ્રિજભૂષણ સિંહની વિરુદ્ધ બે એફઆઇઆરમાં રેસલર્સે આવા ગંભીર આરોપ મૂક્યા છે
કુરુક્ષેત્રમાં ગઈ કાલે રેસલર્સના વિરોધ-પ્રદર્શન બાબતે ખાપ પંચાયતના સભ્યોની મીટિંગ દરમ્યાન ખેડૂત-નેતા રાકેશ ટિકૈત.
નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ અને બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ એફઆઇઆરની વિગતોની ખૂબ ચર્ચા થઈ રહી છે. ૨૮મી એપ્રિલે દિલ્હી પોલીસમાં દાખલ કરવામાં આવેલી બે એફઆઇઆરમાં અનેક ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં બે વખત પ્રોફેશનલ મદદના બદલામાં શારીરિક સંબંધની માગણી, સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટની ઓછામાં ઓછી ૧૫ ઘટનાઓ, જેમાં ૧૦ વખત છાતી પર હાથ ફેરવવો કે નાભિને સ્પર્શ કરવા જેવો ખોટી રીતે સ્પર્શ, છેડતી તેમ જ એ સિવાય ડરાવવા-ધમકાવવાની ઘટનાઓ પણ સામેલ છે.
પહેલી એફઆઇઆરમાં છ ઍડલ્ટ રેસલર્સનો આરોપ છે અને એમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના સચિવ વિનોદ તોમરનું પણ નામ છે. બીજી એફઆઇઆર એક સગીર પિતાની ફરિયાદ પર આધારિત છે અને એમાં પોસ્કોની કલમ ૧૦ પણ ઉમેરવામાં આવી છે, જેમાં પાંચથી સાત વર્ષ કેદની સજાની જોગવાઈ છે. આ એફઆઇઆરમાં જે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ કથિત રીતે ૨૦૧૨થી ૨૦૨૨ દરમ્યાન ભારતમાં અને વિદેશોમાં બની હતી.
ફાધર તરફથી દાખલ કરવામાં આવેલી સગીર રેસલરની ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેની દીકરી સંપૂર્ણપણે મુશ્કેલીમાં હતી. આરોપી (સિંહ) સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટથી સતત તેને પરેશાન કરતો હતો.
ખેડૂત-નેતાઓનું કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ
ભારતના ટોચના ઍથ્લીટ્સને સપોર્ટ આપી રહેલા ખેડૂત-નેતાઓએ કેન્દ્ર સરકારને નવું અલ્ટિમેટમ આપ્યું છે. ખેડૂત-નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ‘અમે નિર્ણય કર્યો છે કે સરકારે રેસલર્સની ફરિયાદનો ઉકેલ લાવવો જોઈએ અને બ્રિજભૂષણની ધરપકડ કરવી જોઈએ. નહીં તો અમે રેસલર્સ સાથે ૯ જૂને દિલ્હીમાં જંતરમંતર ખાતે જઈશું અને સમગ્ર દેશમાં પંચાયત કરીશું. રેસલર્સ વિરુદ્ધના કેસ પાછા ખેંચી લેવા જોઈએ અને બ્રિજભૂષણની ધરપકડ થવી જોઈએ.’
ADVERTISEMENT
છ રેસલર્સ દ્વારા મૂકવામાં આવેલા આરોપો
રેસલર-૧: તેણે મારી મરજી વિના મારા બ્રેસ્ટ્સ પર હાથ રાખ્યો. પોતાનો હાથ ફેલાવતો તે મારા પેટ પર લઈ ગયો. તે ત્યાં જ ન અટક્યો. ફરીથી પોતાનો હાથ ઉપર મારા બ્રેસ્ટ્સ પર લઈ ગયો હતો. તેણે ત્રણથી ચાર વખત એમ કર્યું હતું.
રેસલર -૨: જ્યારે હું મૅટ પર આડી પડી હતી ત્યારે આરોપી મારી પાસે આવ્યો, ઓચિંતાં મારી તરફ ઝૂક્યો અને મારા કોચની ગેરહાજરીમાં, મારી મરજી વિના મારું ટી-શર્ટ ખેંચ્યું, મારો શ્વાસ ચેક કરવાને બહાને પોતાના હાથ મારા બ્રેસ્ટ્સ પર રાખ્યા હતા. એક દિવસ તેણે ઑફિસમાં મારી સાથે બળપૂર્વક શારીરિક સંબંધ માટે કોશિશ કરી હતી.
રેસલર -૩ : આરોપી જ્યાં બેઠો હતો ત્યાં પોતાના બેડ પર મને બોલાવી અને એ પછી ઓચિંતાં તેણે મને બળપૂર્વક હગ કર્યું. પોતાની વાસનાને સંતોષવા માટે તેણે મારી મદદના બદલામાં અણછાજતી માગણી કરી હતી.
રેસલર -૪
આરોપીએ મને બોલાવી, તેણે મારો શ્વાસ ચેક કરવાને બહાને મારું ટી-શર્ટ ખેંચ્યું અને પોતાનો હાથ મારા પેટની નીચે ફેરવ્યો અને મારી નાભિ પર હાથ મૂક્યો હતો.
રેસલર -૫ : ટીમ-ફોટો માટે હું લાઇનમાં છેલ્લે ઊભી હતી ત્યારે આરોપી મારી બાજુમાં ઊભો રહ્યો હતો. મને ઓચિંતાં મારા હિપ્સ પર કોઈનો હાથ હોવાનું ફીલ થયું. હું તેની હરકતથી ચોંકી ગઈ હતી. મેં દૂર જવાની કોશિશ કરી તો તેણે બળપૂર્વક મને જકડી લીધી હતી.
રેસલર -૬ : મારી સાથે ફોટો ક્લિક કરાવવાને બહાને તેણે ખભાથી પકડીને મને ખેંચી. તેની પકડમાંથી છૂટવા માટે મેં કોશિશ કરી. જોકે તેણે ધમકી આપી કે વધારે સ્માર્ટ બની રહી છે, આગળ કોઈ કૉમ્પિટિશનમાં તારે ભાગ નથી લેવો?