વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કૉન્ગ્રેસમાં જોડાયાં, પણ હરિયાણા વિધાનસભાની ચૂંટણી ક્યાંથી લડશે એને લઈને હજી અસ્પષ્ટતા
ગઈ કાલે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા.
કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ગઈ કાલે કૉન્ગ્રેસમાં જોડાયાં હતાં અને કદાચ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પણ લડે. જ્યારથી તેમણે રેસલિંગ ફેડરેશન સામે અવાજ ઉઠાવ્યો હતો ત્યારથી એવી વાતો થઈ રહી હતી કે તેમને કૉન્ગ્રેસનું પીઠબળ છે અને ગઈ કાલે એ સ્પષ્ટ થયું હતું. બે કુસ્તીબાજો કૉન્ગ્રેસમાં આવવાથી કૉન્ગ્રેસને લાભ થશે એવી શક્યતા છે. ૨૦૧૪થી હરિયાણામાં BJPનું શાસન છે અને આ વખતે સત્તાવિરોધી માહોલનું ફૅક્ટર તેમને નડે એવી શક્યતા છે.
૩૦ વર્ષની વિનેશ ફોગાટ અને એ જ ઉંમરના બજરંગ પુનિયા ક્યાંથી ચૂંટણી લડશે એ હજી સ્પષ્ટ નથી, કારણ કે વિનેશ ફોગાટ ચરખી દાદરીની હોવાથી ત્યાંથી ઇલેક્શન લડવાની તેની વધારે ઇચ્છા હોય એ સ્વાભાવિક છે, પણ જો કૉન્ગ્રેસ તેને આ બેઠક પરથી ઉતારશે તો તેની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) તેની કઝિન બબીતા ફોગાટને મેદાનમાં ઉતારે એવી શક્યતા છે. બબીતા ૨૦૧૯માં આ બેઠક પરથી ચૂંટણી હારી ચૂકી છે. જોકે અત્યારની પરિસ્થિતિમાં વિનેશને આવી કૉન્ટેસ્ટમાં ઊતરવું ન હોવાથી જુલાના બેઠક પરથી તેને મેદાનમાં ઉતારવાની શક્યતા કૉન્ગ્રેસના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ, બજરંગ પુનિયા પણ પોતાના મતવિસ્તાર બાદલી બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે, પણ આ સીટ પર અત્યારે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા કુલદીપ વત્સ વિધાનસભ્ય છે અને તેમણે BJPના હેવીવેઇટ અને ભૂતપૂર્વ પ્રધાન ઓ. પી. ધનકરને હરાવ્યા હોવાથી પાર્ટી તેમને નારાજ કરવા નથી માગતી. આ કારણસર બજરંગ પુનિયાને બીજી કોઈ બેઠક પરથી ચૂંટણી લડાવવી કે પછી પાર્ટીના સંગઠનમાં કોઈ પોસ્ટ આપવી એને લઈને કૉન્ગ્રેસ અત્યારે મૂંઝવણમાં છે.
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગઈ કાલે બપોરે મળ્યાં હતાં અને કૉન્ગ્રેસમાં સામેલ થયાં હતાં.