અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસી જિલ્લા કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની અરજી કરી હતી.
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની બહાર ગઈ કાલે ભેગા થયેેલા લોકો.
અલાહાબાદ હાઈ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સમિતિને વારાણસી કોર્ટના આદેશને પડકારતી અરજી પર કોઈ તાત્કાલિક રાહત આપી નહોતી. કોર્ટ હવે આ મામલે છઠ્ઠી ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન આદેશ આપ્યો હતો કે ભોંયરામાં પૂજા પર કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવાશે નહીં.
અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસી જિલ્લા કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટનો સંપર્ક કરવા કહેતાં સમિતિ તરત જ હાઈ કોર્ટમાં ગઈ હતી. નોંધનીય છે કે વારાણસી કોર્ટે ૩૧ જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં પૂજારી મૂર્તિઓ સામે પૂજા કરી શકે છે. આદેશના બીજા દિવસે વ્યાસજીના ભોંયરામાં ૩૦ વર્ષ બાદ પહેલી વખત હિન્દુઓએ પૂજા કરી હતી.
ADVERTISEMENT
સમિતિ તરફથી ઍડ્વોકેટ એસ. એફ. એ. નકવીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ આદેશ ખૂબ જ ઉતાવળમાં અને વારાણસી જિલ્લા કોર્ટના જજ અજય કૃષ્ણ વિશ્વેશની નિવૃત્તિના દિવસે આપવામાં આવ્યો હતો. નકવીએ કહ્યું હતું કે આ આદેશ પસાર કરતી વખતે જિલ્લા ન્યાયાધીશોએ તેમના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા નહોતા.
હિન્દુ પક્ષના ઍડ્વોકેટ વિષ્ણુ શંકર જૈને અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે મુસ્લિમ પક્ષે ૧૭ જાન્યુઆરીના જિલ્લા મૅજિસ્ટ્રેટને રિસીવર નિયુક્ત કરવાના આદેશને પડકાર્યો નથી. ૩૧ જાન્યુઆરીનો આદેશ માત્ર પરિણામલક્ષી આદેશ છે. જ્યાં સુધી ૧૭ જાન્યુઆરીના આદેશને પડકારવામાં ન આવે ત્યાં સુધી આ અપીલ સુનાવણી માટે યોગ્ય નથી. આ વિશે નકવીએ કહ્યું હતું કે તેઓ ૧૭ જાન્યુઆરીના આદેશને પડકારતી એક અમેન્ડમેન્ટ ઍપ્લિકેશન પણ દાખલ કરશે.
જૈને એવી પણ રજૂઆત કરી હતી કે પૂજાની પરવાનગી આપવાથી સામેના પક્ષે કોઈ નુકસાન નથી થયું, કારણ કે ડિસેમ્બર ૧૯૯૩ પહેલાં નિયમિત પૂજા થતી હતી.