વિસ્ફોટોમાં ઓછામાં ઓછા નવ જણને ઈજા થઈ, સુરક્ષાના કારણસર હવે ભારત જોડો યાત્રાનો નોંધપાત્ર ભાગ બસ દ્વારા કમ્પ્લીટ કરવામાં આવશે
જમ્મુમાં નરવલ એરિયામાં બે બ્લાસ્ટ્સના સ્થળે તપાસ કરી રહેલા સુરક્ષા-કર્મચારીઓ. તસવીર: પી.ટી.આઇ.
જમ્મુ (પી.ટી.આઇ.) : જમ્મુમાં ગઈ કાલે ઉપરાછાપરી પંદર મિનિટમાં થયેલા બે વિસ્ફોટમાં નવ જણને ઈજા થઈ હતી. જમ્મુ ઝોનના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસે વિસ્ફોટો અને છ જણને ઈજા થઈ હોવાનું કન્ફર્મ કર્યું હતું. જોકે હૉસ્પિટલનાં સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે નવ જણને ઈજા થઈ છે. આઠ જણની સ્થિતિ સ્થિર છે. એક ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર છે.
આગામી રિપબ્લિક ડેના સેલિબ્રેશન્સ અને કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રાને કારણે સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ મોડ પર છે ત્યારે એવા સમયે નરવલ એરિયાના ટ્રાન્સપોર્ટ યાર્ડમાં આ બ્લાસ્ટ થયા હતા.
ADVERTISEMENT
પહેલો બ્લાસ્ટ સવારે પોણા અગિયાર વાગ્યે થયો હતો, જેની પંદર મિનિટ પછી બીજો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ્સના સાક્ષી જસવિન્દર સિંહે કહ્યું હતું કે પહેલો બ્લાસ્ટ રિપેરિંગ માટે વર્કશૉપમાં મોકલવામાં આવેલા એક વેહિકલમાં થયો હતો. આ ઘટનાના વિઝ્યુઅલ્સમાં જોવા મળ્યું હતું કે બ્લાસ્ટ્સના સ્થળે અનેક પોલીસ હાજર હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલોમાં લઈ જવાયા હતા.
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા માટે જમ્મુ-કાશ્મીરમાં હોવાને કારણે ચિંતા વધી છે. સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રાનો નોંધપાત્ર ભાગ બસ દ્વારા કમ્પ્લીટ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફૉરેન્સિક ટીમ અને બૉમ્બ-સ્ક્વૉડ ઘટનાસ્થળે આવી હતી.