વડા પ્રધાને પાર્ટીના સ્થાપના દિવસે કહ્યું કે આજે અમે એ તમામ લોકોને યાદ કરીએ છીએ જેમણે અનેક દાયકાઓમાં પાર્ટીને મજબૂત કરવા ખુદને સમર્પિત કર્યા
નરેન્દ્ર મોદી
ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવાર છઠ્ઠી એપ્રિલે એનો ૪૬મો સ્થાપના દિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડાએ દિલ્હી ખાતેના પાર્ટી હેડ ક્વૉર્ટર ખાતે BJPનો ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ BJPના કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકો પાર્ટીના શિસ્તના એજન્ડાને જોઈ રહ્યા છે જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એને મળલા જનાદેશમાં જોવા મળે છે. નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા ઍક્સ પર પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું કે ‘પાર્ટીના સ્થાપના દિવસ પર તમામ BJP કાર્યકરોને શુભકામના. અમે એ તમામને યાદ કરીએ છીએ જેણે છેલ્લા અનેક દાયકાઓમાં આપણી પાર્ટીને મજબૂત કરવા માટે ખુદને સમર્પિત કર્યા. આપણી પાર્ટીની કરોડરજ્જુ, આપણા તમામ મહેનતી કાર્યકરોને મારી શુભકામના, કારણ કે તેઓ જમીની સ્તર પર સક્રિયરૂપે કામ કરે છે અને આપણી શિસ્તના એજન્ડાને આગળ વધારે છે.’
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકરો પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને એ વાત પર ગર્વ છે કે BJP કાર્યકરો દેશના દરેક ભાગમાં ૨૪ કલાક કામ કરી રહ્યા છે અને ગરીબ, દલિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની સેવા કરી રહ્યા છે. તેમની ઊર્જા અને ઉત્સાહ પ્રેરણાદાયક છે.’
BJPની સ્થાપનાનો ઇતિહાસ
BJPની સ્થાપના ૧૯૮૦માં તત્કાલિન ભારતીય જનસંઘના નેતા દ્વારા કરવામાં આવી હતી. આ એક એવી પાર્ટી હતી જેણે કટોકટી બાદ કૉન્ગ્રેસનો મુકાબલો કરવા માટે અન્ય પક્ષોની સાથે મળીને ભારતીય જનતા પાર્ટી બનાવી હતી. BJPએ ૧૯૮૪માં પહેલી લોકસભા ચૂંટણી લડી હતી અને ફક્ત બે બેઠક જીતી હતી. જોકે ત્યાર બાદ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં એ ઝડપથી આગળ વધી અને ૯૦ના દાયકામાં ગઠબંધનની સરકાર બનાવીને સત્તામાં આવી. ત્યાર બાદ ૨૦૧૪થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે.

