૩૬૩ લોકોનું બલિદાન આપનાર બિશ્નોઈ સમાજની મહિલાઓ ખેજડીના આ ઝાડને બચાવવા મેદાને પડી
ગઈ કાલે બિકાનેરમાં કલેક્ટરની ઑફિસની નજીક ખેજડીના વૃક્ષ ફરતે ઊભી રહી ગયેલી બિશ્નોઈ સમુદાયની મહિલાઓ.
બિકાનેરના નોખા દૈયા ગામમાં સોલર પ્લાન્ટ નાખવા માટે ખેજડીનાં ઝાડ કાપવામાં આવતાં હોવાથી એના વિરોધમાં બિશ્નોઈ સમાજની મહિલાઓએ કલેક્ટર-ઑફિસ નજીક આવેલા ખેજડીના ઝાડ પર જ વિરોધ શરૂ કર્યો છે. છેલ્લા પંદરેક દિવસથી અખિલ ભારતીય બિશ્નોઈ સમાજની મહિલાઓ વિરોધ કરી રહી છે, પણ સરકારે હજી સુધી એની કોઈ નોંધ નથી લીધી. બિશ્નોઈ સમાજ પર્યાવરણ અને વન્ય-જીવોને પોતાના જીવન અને પરિવારથી પણ વધારે મહત્ત્વ આપે છે. આ જ કારણસર ૧૭૮૭માં જ્યારે જોધપુરના મહારાજાએ ખેજડીનાં ઝાડ કાપવાનો તેમના સૈનિકોને આદેશ આપ્યો હતો ત્યારે આ ઝાડને બચાવવા માટે અમૃતા દેવી બિશ્નોઈના નેતૃત્વ હેઠળ ૩૬૩ બિશ્નોઈ સ્ત્રી, પુરુષ અને બાળકોએ બલિદાન આપ્યાં હતાં. અમૃતા દેવી સાથે શહીદ થયેલા બિશ્નોઈ સમાજના લોકો ત્યારે ખેજડીના ઝાડને કાપવા ન દેવા માટે એને ચીપકીને ઊભા રહ્યા હતા. આમ છતાં તેમની ભાવનાની કદર કર્યા વિના જોધપુરના મહારાજાના સૈનિકોએ તેમનો નરસંહાર કર્યો હતો. નવાઈની વાત એ છે કે એ સમયના જોધપુરના મહારાજાને ખેજડી ઝાડનું લાકડું પોતાનો પૅલેસ બનાવવા માટે જોઈતું હતું.
બિશ્નોઈ સમાજ તેમના સંસ્થાપક અને ધર્મગુરુ શ્રી જંભેશ્વર ભગવાનના ઉપદેશને આજે પણ સર્વોપરી માને છે, જેમાં તેમણે કહ્યું હતું કે ‘સિર સાટે રુખ સકે તો ભી સસ્તો જાણ.’ એટલે કે વૃક્ષોની રક્ષા માટે જો સર પણ કપાય જાય તો પણ એ સસ્તો સોદો છે. આ જ કારણ છે કે આજે પણ બિશ્નોઈ સમાજ ખેજડીના ઝાડને કાપવાનો સખત વિરોધ કરી રહ્યો છે. આ ઝાડ રાજસ્થાનનું રાજ્ય-વૃક્ષ છે. એવું કહેવાય છે કે ૧૯૭૦માં થયેલી ચીપકો મૂવમેન્ટની પ્રેરણા ખેજડી નરસંહાર પરથી જ લેવામાં આવી હતી.
ADVERTISEMENT

