દિલ્હીની ૨૦ વર્ષની યુવતીને કાર નીચે ઘસડવાના કેસમાં દિલ્હી પોલીસની સદંતર લાપરવાહી બહાર આવી છે
નવી દિલ્હીમાં ગઈ કાલે સુલતાનપુરીના કરણ વિહાર એરિયામાં કારની નીચે ઘસડાઈને મૃત્યુ પામી હતી એ યુવતીના ઘરની પાસે તહેનાત દિલ્હી પોલીસના જવાનો (તસવીર : તસવીરઃ પી.ટી.આઇ.)
દિલ્હીની સ્ટ્રીટ પર એક યુવતીને ટક્કર મારીને તેને કારની નીચે લગભગ ૧૩ કિલોમીટર સુધી ઘસડી જનારા યુવકોએ પોલીસ પૂછપરછ દરમ્યાન કેટલીક નવી અને ચોંકાવનારી હકીકત જણાવી છે.
આ કાર ચલાવનાર યુવકે પોલીસને કહ્યું હતું કે શનિવારે મોડી રાતે અંજલિ સિંહની સ્કૂટીને ટક્કર માર્યા બાદ મેં ફીલ કર્યું હતું કે કારની નીચે કંઈક ફસાયું છે, પરંતુ કારમાં રહેલા બીજા ચાર યુવકોએ તેને કાર ચલાવતા રહેવાનું કહ્યું હતું. તેમનું કહેવું હતું કે કારની નીચે કંઈ નથી.
ADVERTISEMENT
આ સમગ્ર કેસમાં દિલ્હી પોલીસની લાપરવાહી બહાર આવી છે. રાતે ૧.૫૨ વાગ્યાની આસપાસ અંજલિની સ્કૂટીને ટક્કર મારવામાં આવી હતી એ પછી તેને ૧૩ કિલોમીટર સુધી દિલ્હીના રસ્તાઓ પર કારની નીચે ઘસડવામાં આવી હતી એ રેન્જમાં ત્રણ પોલીસ-સ્ટેશન આવ્યાં છે. એટલું જ નહીં, એક સાક્ષીએ રાતે સવાત્રણ વાગ્યે પોલીસને જાણ કરી હતી. એના લગભગ દોઢ કલાક બાદ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પાંચ આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે અકસ્માત બાદ તેઓ એ જગ્યાએથી ભાગી ગયા હતા અને તેમને ખ્યાલ નહોતો કે અંજલિ કારની નીચે ઘસડાઈ રહી છે. અંજલિનો મૃતદેહ ત્યાર બાદ દિલ્હીના કંઝાવાલા એરિયામાં નિર્વસ્ત્ર અવસ્થામાં રોડ પર મળ્યો હતો.
આ પાંચેપાંચ આરોપીઓએ કબૂલ્યું છે કે અકસ્માત વખતે તેમણે નશો કર્યો હતો. તેમણે કારની અંદર દારૂની બેથી વધુ બૉટલ પીધી હતી.
ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની માટે કામ કરતી અંજલિ કામ પરથી ઘરે જઈ રહી હતી ત્યારે દિલ્હીના સુલ્તાનપુરી એરિયામાં રાતે બે વાગ્યે આ અકસ્માત થયો હતો. દીપક ખન્ના કાર ચલાવતો હતો; જ્યારે અમિત ખન્ના, મનોજ મિત્તલ, ક્રિષ્ન અને મિથુન કારમાં બેઠા હતા.
થોડા કિલોમીટર કાર ચલાવ્યા બાદ દીપકે અનુભવ્યું કે કારની નીચે કંઈક ફસાયું છે. તેણે બીજા ચાર જણને ચેક કરવા કહ્યું ત્યારે તેમણે કાર ચલાવતા રહેવાનું કહ્યું હતું.
દીપકની બાજુમાં ફ્રન્ટ સીટ પર બેસેલા મિથુને યુટર્ન વખતે અંજલિનો હાથ જોયો હતો. એ પછી કારને કંઝાવાલાના જોનતી ગામમાં રોકવામાં આવી હતી.
અંજલિનો મૃતદેહ કારમાંથી નીકળી ગયા બાદ આ પાંચેય જણે કારમાંથી ઊતરીને મદદ કરવાને બદલે તેને ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.
તપાસ અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ‘આ કારે અંજલિની સ્કૂટીને ટક્કર મારી ત્યારે અંજલિ સાથે તેની એક મિત્ર પણ હતી, જે ક્રૅશ પછી ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. અંજલિની મિત્ર નિધિ હવે મહત્ત્વની સાક્ષી છે.’
અકસ્માત પહેલાં જ અંજલિની તેની ફ્રેન્ડ સાથે લડાઈ થઈ હતી
નવા સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું કે અકસ્માતના થોડા સમય પહેલાં જ ૨૦ વર્ષની આ યુવતીની તેની મિત્ર સાથે લડાઈ થઈ હતી. રોહિણીમાં એક હોટેલની બહાર રેકૉર્ડ કરવામાં આવેલા આ ફુટેજમાં અંજલિ સિંહ તેની મિત્ર નિધિ સાથે બોલાચાલી કરતી જોવા મળી હતી. રોહિણીમાં આ હોટેલમાં શનિવારે સાંજે આ બન્ને અહીં ન્યુ યર પાર્ટીમાં હતી. તેઓ બન્ને મારામારી કરતી જોવા મળી હતી. તેઓ ખૂબ જ ઘોંઘાટ કરતી હોવાને કારણે હોટેલના સ્ટાફે તેમને ત્યાંથી જતાં રહેવાનું કહ્યું હતું. જ્યાં પાર્ટી થઈ હતી એ ઓયો હોટેલના એક કર્મચારીએ કહ્યું હતું કે ‘તેઓ લડી રહી હતી અને એકબીજાને અપશબ્દો કહેતી હતી. આ જ કારણે મૅનેજરે તેમને ત્યાંથી જતાં રહેવાનું કહ્યું હતું. એટલે તેઓ તેમની સ્કૂટી પર જતી રહી હતી.’
શારીરિક શોષણ થયું નથી
આ કેસમાં પીડિતાનું શારીરિક શોષણ થયું હોવાની વાત ફગાવી દેવામાં આવી છે. પોસ્ટમૉર્ટમમાં તેના પ્રાઇવેટ પાર્ટ્સમાં ઈજાનાં કોઈ નિશાન નથી. મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના ડૉક્ટર્સે પીડિતાના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કર્યું હતું. વધુ ટેસ્ટ્સ માટે સ્વૉબ સૅમ્પલ્સ અને પીડિતાના જીન્સના ટુકડાને જાળવી રાખવામાં આવ્યા છે.