વિદેશપ્રધાને ચીનની પ્રશંસા કરવા બદલ કૉન્ગ્રેસના નેતાની ટીકા કરી, પરંતુ સાથે જ કહ્યું કે ચીનની બાબતમાં મિલિટરી અસેસમેન્ટ અનુસાર સ્થિતિ હજી પણ ‘નાજુક’ અને ‘ડેન્જરસ’ છે
જયશંકરે રાહુલને કેમ પાંડા હગર ગણાવ્યા?
વિદેશપ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી વાસ્તવિક અંકુશ રેખા પર ઘર્ષણના તમામ મુદ્દાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી ચીનની સાથે ભારતના સંબંધો ફરી પાછા સામાન્ય ન રહી શકે.
એક પ્રાઇવેટ ચૅનલના કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક અંકુશ રેખા તેમ જ હિમાલયન બૉર્ડર પર અત્યંત તનાવજનક સ્થિતિના કારણે દ્વિપક્ષીય સંબંધો અત્યારે પડકારજનક અને અસામાન્ય તબક્કામાં છે.
ADVERTISEMENT
ઘર્ષણવાળી જગ્યાઓથી જવાનોની સંખ્યા ઘટાડવાના મામલે બન્ને દેશોએ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. જોકે ઘર્ષણની અન્ય જગ્યાઓએ મિલિટરીના જવાનોની સંખ્યા ઘટાડવાની દિશામાં વાતચીત ચાલી રહી છે. આમ છતાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે મિલિટરી અસેસમેન્ટ અનુસાર સ્થિતિ હજી પણ ‘નાજુક’ અને ‘ડેન્જરસ’ છે.
ચીનના વિદેશપ્રધાન સાથે રિસન્ટલી યોજાયેલી બેઠકો વિશે જયશંકરે કહ્યું હતું કે ‘હું જ્યારે વાંગ યીને મળ્યો હતો ત્યારે બૉર્ડર પર કટોકટીની સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવો એના વિશે અમે સંમત થયા હતા. હવે જ્યારે હું ચીનના નવા વિદેશપ્રધાન કિન ગૅન્ગને મળ્યો ત્યારે મેં સ્પષ્ટ જણાવ્યું હતું કે સીમા પર તમે શાંતિનો ભંગ કરો અને એમ છતાં જાણે કંઈ જ બન્યું ન હોય એમ બીજી બધી બાબતોમાં સંબંધો સામાન્ય રહે એમ ન બની શકે.’
જયશંકરે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને પાંડા હગર ગણાવ્યા. પાંડા હગર એટલે પશ્ચિમી દેશોના એવા પૉલિટિકલ ઍક્ટિવિસ્ટ અને અધિકારીઓ કે જેઓ કમ્યુનિસ્ટ ચાઇનીઝ પૉલિસીને સપોર્ટ આપે છે. રાહુલે યુકેમાં ચીનની પ્રશંસા કરતાં સ્ટેટમેન્ટ્સ આપ્યાં હતાં, જેના વિશે પૂછવામાં આવતાં જયશંકરે કહ્યું હતું કે ‘ભારતના એક નાગરિક તરીકે હું જ્યારે કોઈનો ચીન તરફી ઝોક અને ભારતની ઉપેક્ષા કરતા જોઉં ત્યારે મને પીડા થાય છે.’
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે ભારતને ચીનથી ડર લાગે છે. એના વિશે વિદેશપ્રધાને કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી ચીનની ખૂબ પ્રશંસા કરે છે અને એ દેશને વર્ણવવા માટે ‘સદ્ભાવ’ શબ્દનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે ચીન ગ્રેટેસ્ટ મૅન્યુફૅક્ચરર છે અને કહે છે કે ‘મેક ઇન ઇન્ડિયા’ સફળ નહીં થાય. કોઈ દેશ પ્રત્યે તમારો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ તમારે દેશના મનોબળને નબળું પાડવું ન જોઈએ.’