સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા, પેટમાં ગરબડ હોવાનું કારણ દર્શાવીને શિવકુમારે દિલ્હી જવાનું માંડી વાળ્યું, કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ લેશે આખરી નિર્ણય,
ઘરની બાલ્કનીમાં ઊભા રહેલા ડી. કે. શિવકુમાર અને બૅન્ગલોરથી દિલ્હી જવા રવાના થતા સિદ્ધારમૈયા.
વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ કર્ણાટકમાં મુખ્ય પ્રધાનપદને લઈને કોકડું ગૂંચવાયું છે. પક્ષના સાથી ડીકે શિવકુમાર સાથે આ પદને લઈને થયેલી સ્પર્ધાને જોતાં કૉન્ગ્રેસના સિનિયર નેતા સિદ્ધારમૈયા ગઈ કાલે ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટી (એઆઇસીસી)ના નેતાઓને મળવા દિલ્હી રવાના થયા હતા. કોને મુખ્ય પ્રધાન બનાવવા એને લઈને કૉન્ગ્રેસના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોએ એઆઇસીસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સત્તા સોંપી છે. એ પહેલાં ગઈ કાલે કૉન્ગ્રેસના ઑબ્ઝર્વર સુશીલકુમાર શિંદેએ ક્હ્યું હતું કે આવશ્યકતા પડશે તો સિદ્ધારમૈયા અને શિવકુમાર બન્નેને ચર્ચા માટે દિલ્હી બોલાવાશે. ૧૦ મેએ જાહેર થયેલાં ચૂંટણી પરિણામોમાં કૉન્ગ્રેસ ૧૩૫ બેઠક જીતી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૭૫ વર્ષના સિદ્ધારમૈયા એક વિશેષ વિમાનમાં પક્ષના નેતાઓને મળવા માટે દિલ્હી રવાના થયા હતા. શિંદેએ અગાઉ કહ્યું હતું કે ‘અમે નિરીક્ષકો ઉપરાંત કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી અને કર્ણાટકના ઇન્ચાર્જ રણદીપ સુરજેવાલા અને જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ દિલ્હી જઈશું. પક્ષની મીટિંગમાં અમને મળેલી પ્રતિક્રિયા ગુપ્ત છે જેને અમે જાહેર કરીશું નહીં, માત્ર અમારા પક્ષના પ્રમુખને જ એ જણાવવામાં આવશે.’
ADVERTISEMENT
એક વિધાનસભ્યએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘રવિવારે સાંજે એક કાગળમાં અમને શિવકુમાર અથવા સિદ્ધારમૈયા પૈકી એકને પસંદ કરવા અથવા કોઈ ત્રીજા નેતા કે પછી હાઈ કમાન્ડને સત્તા સોંપવા માટે જણાવાયુ હતું.’ કેટલાક વિધાનસભ્યો ઇચ્છતા હતા કે મીટિંગમાં હાથ ઊંચો કરીને નેતાને પસંદ કરવામાં આવે, પરંતુ પાર્ટી એ માટે તૈયાર નહોતી, કારણ કે એના કારણે જૂથ ખુલ્લાં પડી જાય એવો ડર હતો. વિધાનસભામાં પક્ષના નેતાનો નિર્ણય લેતાં પહેલાં તમામનો અભિપ્રાય લેવા માટે સિદ્ધારમૈયાએ ભાર મૂક્યો હતો. દરમ્યાન એઆઇસીસીના મહાસચિવ જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે અમે મોડી રાત સુધી તમામ વિધાનસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા બી. કે. હરિપ્રસાદે કહ્યું હતું કે ‘ત્રણ નિરીક્ષકોએ તમામ વિધાનસભ્યોની પ્રતિક્રિયા જાણી છે. પાર્ટી હાઈ કમાન્ડ મુખ્ય પ્રધાનનો નિર્ણય લેશે. તમામ વિધાનસભ્યોનો મત જાણ્યો હતો. સીએમના પદ માટે ફીડબૅક અને ગુપ્ત મતદાન પણ થયું હતું.’
મારી પાસે છે ૧૩૫ વિધાનસભ્યો : શિવકુમાર
કર્ણાટકના મુખ્ય પ્રધાનપદ માટે કેટલા વિધાનસભ્યોનું સમર્થન છે એવા દાવા વચ્ચે સિદ્ધારમૈયા દિલ્હી ગયા હતા, પરંતુ કર્ણાટક કૉન્ગ્રેસના અધ્યક્ષ ડી. કે. શિવકુમારે દાવો કર્યો છે કે મારી ક્ષમતા ૧૩૫ વિધાનસભ્યોની છે. મારા નેતૃત્વમાં પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ગઈ કાલે હાઈ કમાન્ડના આદેશને અનુસરતાં સિદ્ધારમૈયા દિલ્હી જવાના હતા, પરંતુ પેટમાં ગરબડ હોવાનું કારણ દર્શાવીને શિવકુમારે દિલ્હી જવાનું માંડી વાળ્યું હતું. ગઈ કાલે તેમણે કહ્યું કે ‘અમે તમામ નિર્ણય હાઈ કમાન્ડને સોંપ્યા છે. મારી પાસે કેટલા આંકડા છે? એની વાત કરું તો મારી પાસે ૧૩૫ વિધાનસભ્યો છે. હું પક્ષનો પ્રમુખ છું. મારી અધ્યક્ષતા હેઠળ ચૂંટણી લડાઈ હતી. અમે ડબલ એન્જિનવાળી બીજેપી સરકાર સામે, ભ્રષ્ટ વહીવટ સામે લડ્યા હતા. લોકોએ અમને ટેકો આપ્યો હતો. આજે મારો જન્મદિવસ છે અને હું મારા પરિવારને મળીશ અને ત્યાર બાદ દિલ્હી જવા રવાના થઈશ. સોનિયા ગાંધી અને ખડગેએ મને આ પોસ્ટ આપી હતી. જ્યારે અમારા વિધાનસભ્યો પક્ષ છોડીને જતા હતા ત્યારે મેં આશા ગુમાવી નહોતી. છેલ્લાં પાંચ વર્ષમાં શું થયું એ હું કહેવા માગતો નથી.’