શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મીટિંગમાં તમામ મેમ્બર્સે મૂર્તિઓને જોઈને પોતાનો મત સોંપ્યો, હવે આગામી ત્રણ દિવસમાં મૂર્તિની પસંદગી થશે
શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલાં અયોધ્યામાં એક વર્કશૉપ ખાતે ગઈ કાલે જુદા-જુદા દેવીદેવતાઓની મૂર્તિઓ મૂકવામાં આવી હતી.
અયોધ્યા : અયોધ્યાના શ્રીરામ મંદિરમાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. ૧૬મી જાન્યુઆરીથી જ પ્રાણપ્રતિષ્ઠાને સંબંધિત કાર્યક્રમો શરૂ થઈ જશે. ગર્ભગૃહમાં કઈ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ એ નક્કી કરવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની ગઈ કાલે મીટિંગ મળી હતી. આ મીટિંગ બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરિ મહારાજે કહ્યું હતું કે ‘ગઈ કાલે તમામ મેમ્બર્સે મૂર્તિઓને જોઈને પોતાનો મત સોંપ્યો હતો. ટ્રસ્ટના અધ્યક્ષ અને મહાસચિવ તમામ સભ્યોના મતના આધારે આગામી ત્રણ દિવસમાં મૂર્તિની પસંદગી કરશે. ત્રણેય કલાકોરોએ સાત મહિનામાં મૂર્તિ તૈયાર કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રણેય મૂર્તિ સમાન છે અને સ્ટૅન્ડિંગ પોઝિશનમાં છે. મૂર્તિઓની લંબાઈ ૫૧ ઇંચ છે. સાથે જ બાળસ્વરૂપ શ્રીરામની મૂર્તિના માટે આદેશ આપવામાં આવ્યા હતા અને ત્રણેય મૂર્તિઓ એ જ પ્રકારની છે.
ADVERTISEMENT
દરમ્યાન શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાત લેશે. એ દરમ્યાન મોદી ૧૬ હજાર કરોડ રૂપિયાથી વધારાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી સૌથી પહેલાં અયોધ્યા ઍરપોર્ટ અને એ પછી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. સાથે જ પીએમ મોદી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે.

