સંસદના બજેટસત્રના પહેલા દિવસે નરેન્દ્ર મોદીની પ્રાર્થના
નરેન્દ્ર મોદી
કહ્યું કે ૧૦ વર્ષમાં આ પહેલું એવું સત્ર છે જેમાં વિદેશથી કોઈ પ્રકારની ચિનગારી લગાવવાની કોઈ પણ કોશિશ થઈ નથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સંસદના બજેટસત્રના પહેલા દિવસે મીડિયા સાથે વાતચીતની શરૂઆત સમૃદ્ધિની દેવી મા લક્ષ્મીને પ્રણામ કરીને અને બજેટસત્રનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘આવા અવસરે સદીઓથી આપણે ત્યાં મા લક્ષ્મીનું પુણ્ય સ્મરણ કરવામાં આવે છે. સંસદનું બજેટ અધિવેશન દેશવાસીઓમાં એક નવો વિશ્વાસ પેદા કરશે અને તેમને નવી ઊર્જા આપશે. દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે.’
ADVERTISEMENT
મોદીએ બીજું શું કહ્યું?
હું ૨૦૧૪થી જોઈ રહ્યો છું કે દરેક સત્ર પહેલાં શરારત કરવા માટે લોકો તૈયાર બેસતા હતા અને અહીં તેમને હવા આપનારા લોકોની કોઈ કમી નથી. ૧૦ વર્ષ બાદ આ પહેલું સત્ર હું જોઈ રહ્યો છું, જેમાં કોઈ પણ વિદેશી ખૂણામાંથી કોઈ પણ પ્રકારની ચિનગારી લગાવવાની કોશિશ થઈ નથી.
મારા ત્રીજા કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ છે. હું વિશ્વાસથી કહી શકું છું કે ૨૦૪૭માં જ્યારે આઝાદીનાં ૧૦૦ વર્ષ થશે ત્યારે વિકસિત ભારતનો જે સંકલ્પ દેશે લીધો છે એમાં આ બજેટસત્ર અને આ બજેટ એક નવો વિશ્વાસ પેદા કરશે અને નવી ઊર્જા આપશે.
હું આશા કરું છું કે અમે આ બજેટમાં દેશની આશા અને આકાંક્ષાઓને પૂરા કરવામાં સફળ રહીશું.
આ સત્રમાં પણ હંમેશાંની જેમ ઘણા ઐતિહાસિક વિધેયકો પર ચર્ચા થશે અને વ્યાપક મંથન સાથે રાષ્ટ્રની તાકાત વધારે એવા કાયદા બનશે.
માં લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે, સમૃદ્ધિ અને કલ્યાણ પણ આપે છે. હું પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમવર્ગીય સમાજ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે.
આ સત્રમાં કેટલાક એવા નિર્ણય લેવામાં આવશે જેનાથી મહિલાઓને સન્માનપૂર્ણ જીવન મળી શકે.
આપણા ગણતંત્રને ૭૫ વર્ષ પૂર્ણ થયાં છે, આ દરેક દેશવાસી માટે ગૌરવપૂર્ણ સમય છે. વિશ્વના લોકતાંત્રિક જગત માટે ભારતનું સામર્થ્ય વિશેષ સ્થાન બનાવે છે.
જ્યારે વિકાસની તેજ ગતિ પ્રાપ્ત કરવાની હોય છે તો સૌથી વધારે રિફૉર્મ પર બળ આપવામાં આવે છે. એના પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે મળીને પર્ફોર્મ કરવાનું હોય છે. આ બે પ્રક્રિયા બાદ લોકોની ભાગીદારીથી અમે ટ્રાન્સફૉર્મેશન જોઈ શકીએ છીએ. ૨૦૪૭ સુધીમાં અમે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છીએ. અમે મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ.
અમે ઇનોવેશન, ઇન્ક્લુઝન અને ઇન્વેસ્ટમેન્ટમાં લગાતાર અમારી ઇકૉનૉમિક ઍક્ટિવિટીના રોડમૅપમાં આધાર રહ્યા છે.

