West Bengal Violence: હિંસા જે વિસ્તારમાં થઈ તે યુસુફનો મતવિસ્તાર નથી, છતાં પણ લોકોએ પઠાણના આરામદાયક પદ પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ પઠાણ તેમજ સમગ્ર તૃણમૂલ કૉંગ્રેસ પર પ્રશ્નો ઉઠાવ્યા.
યુસુફ પઠાણે પોસ્ટ કરેલી તસવીર (સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદાને લઈને થયેલી હિંસામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસ દળ હજી પણ ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ યુસુફ પઠાણે તેમના ઇન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ કરી છે જેને લઈને હવે તેમની ટીકા થઈ રહી છે. આ પોસ્ટમાં, યુસુફ પઠાણ આરામથી ચાનો આનંદ માણતો જોઈ શકાય છે. પઠાણની આ પોસ્ટ પર સામાન્ય જનતાની સાથે વિરોધી પક્ષોએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ભુતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, "આરામદાયક બપોર, સારી ચા અને શાંતિપૂર્ણ વાતાવરણ. બસ આ ક્ષણનો આનંદ માણી રહ્યો છું." પઠાણે આ પોસ્ટ કર્યા પછી તરત જ લોકોએ તેના પર ગુસ્સો દર્શાવવાનું શરૂ કર્યું. હિંસા જે વિસ્તારમાં થઈ તે યુસુફનો મતવિસ્તાર નથી, છતાં પણ લોકોએ પઠાણના આરામદાયક પદ પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ પઠાણ તેમજ સમગ્ર તૃણમૂલ કૉંગ્રેસ પર પ્રશ્નો ઉઠાવ્યા.
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ મમતા બેનર્જી અને યુસુફ પઠાણ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે લખ્યું, "બંગાળ સળગી રહ્યું છે. હાઈ કોર્ટે કહ્યું છે કે તે આંખો બંધ કરી શકતી નથી અને કેન્દ્રીય દળો તહેનાત કર્યા છે. મમતા બેનર્જી રાજ્ય-રક્ષિત હિંસાને પ્રોત્સાહન આપવામાં કોઈ કસર છોડી રહ્યા નથી બંગાળ પોલીસ મૌન છે. આ બધા વચ્ચે, યુસુફ પઠાણ - એક સાંસદ ચા પી રહ્યા છે અને હિન્દુઓ પર હુમલા અને નરસંહારની ક્ષણનો આનંદ માણી રહ્યા છે. આ તૃણમૂલ કૉંગ્રેસ છે." ભાજપની સાથે ડાબેરી પક્ષોએ પણ પઠાણની પોસ્ટની ટીકા કરી છે.
View this post on Instagram
બંગાળમાં હિંસાને લઈને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ રાજ્યમાં વક્ફ કાયદાને લાગુ ન કરવાની જાહેરાત કરી હતી અને શાંતિની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કાયદો કેન્દ્ર સરકારનો છે અને સવાલ પણ તેમને જ પુછાવા જોઈએ. મમતા બૅનરજીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારી તમામ ધર્મોના લોકોને અપીલ છે કે શાંતિ જાળવી રાખે, ઉશ્કેરણીમાં ન આવે. દરેક વ્યક્તિનો જીવ કીમતી છે, રાજકીય નામ પર દંગા ન કરવામાં આવે.’
તમને જણાવી દઈએ કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહેરામપુર લોકસભા મતવિસ્તારના સાંસદ છે. આ વિસ્તાર મુર્શિદાબાદ જિલ્લાના ત્રણ લોકસભા મતવિસ્તારોમાંથી એક છે. 2024ની લોકસભા ચૂંટણીમાં, તૃણમૂલ કૉંગ્રેસસે યુસુફ પઠાણને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુર્શિદાબાદથી પાંચ વખત સાંસદ રહેલા અધીર રંજન ચૌધરી સામે મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં યુસુફે અધીર રંજર ચૌધરીને મોટા અંતરથી હરાવ્યા હતા. ચૂંટણી દરમિયાન પણ, તૃણમૂલ કૉંગ્રેસના વિરોધીઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ગુજરાતના બરોડાના રહેવાસી પઠાણને બંગાળમાં સાંસદ તરીકે કેમ ઉતારવામાં આવી રહ્યા છે.

