પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીઓમાં બૉમ્બમારો, હિંસા અને લૂંટ સહિત અનેક હિંસક ઘટનાઓ બની, ૧૭ જણનાં મોત
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ગઈ કાલે પંચાયતની ચૂંટણી દરમ્યાન બારાવિટા પ્રાઇમરી સ્કૂલમાંના મતદાન કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી હતી અને બેલટપેપર્સ બાળવામાં આવ્યાં હતાં (તસવીર : એ.એન.આઇ.)
પશ્ચિમ બંગાળના લોહિયાળ રાજકારણથી ગઈ કાલે યોજાયેલી પંચાયતની ચૂંટણીઓ પણ બાકાત ન રહી. અહીં ચૂંટણીમાં અનેક જગ્યાએ હિંસક ઘટનાઓ બની, જેમાં ઓછામાં ઓછા ૧૭ જણનાં મોત થયાં હતાં. આ રાજ્યમાં ગઈ કાલે આખો દિવસ હુમલા, બૉમ્બમારો, ગોળીબાર અને સ્ટૅબિંગની ઘટનાઓ બનતી રહી. એ હદે ગુંડાગીરી કરવામાં આવી કે ખુલ્લેઆમ બૅલટ પેપર લૂટવામાં આવ્યા, એમાં આગ લગાડવામાં આવી તો ક્યાંક પાણી રેડીને ખરાબ કરવામાં આવ્યા. કૂચ બિહારના માથભંગા-૧ બ્લૉકના હઝરાહાટ ગામમાં એક યુવક બૅલટ બૉક્સ લઈને ભાગતો જોવા મળ્યો હતો.
આ રાજ્યમાં જાણે કાયદા-વ્યવસ્થાની સ્થિતિ જ ન હોય એવો માહોલ ઊભો થયો હતો. ત્યાં સુધી કે લોકોને વોટિંગ કરતા રોકવામાં આવ્યા હોવાના પણ આરોપો મૂકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દક્ષિણ ૨૪ પરગણાના ભાંગડ બ્લૉકના જમીરગાછીમાં ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ અને ટીએમસીના કાર્યકરોની વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ગામના લોકોએ જણાવ્યું હતું કે ટીએમસીના લોકો બૅગમાં બૉમ્બ ભરીને લાવ્યા હતા. તેઓ ગામના લોકોને ડરાવીને વોટ નખાવતા રહેતા હતા. તેમણે એટલા બૉમ્બ ફેંક્યા કે બે કલાક સુધી મતદાન અટકી ગયું હતું. દરમ્યાન અહીં સેન્ટ્રલ ફોર્સિસને તહેનાત કરવામાં આવી છે.
મૃત્યુ પામનારાઓમાં તૃણમૂલ, બીજેપી, ડાબેરીઓ અને કૉન્ગ્રેસના કાર્યકરોનો સમાવેશ થાય છે. એક અપક્ષ ઉમેદવારના સપોર્ટરનું પણ મોત થયું હતું. શાસક તૃણમૂલ કૉન્ગ્રેસે કેન્દ્રીય ફોર્સિસની ‘સદંતર નિષ્ફળતા’ ગણાવી હતી, કેમ કે પંચાયતની ચૂંટણીઓમાં સિક્યૉરિટી પૂરી પાડવાની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
કૂચ બિહાર જિલ્લામાં ફાલિમારી ગ્રામ પંચાયતમાં બીજેપીના પોલિંગ એજન્ટ માધબ બિસ્વાસની હત્યા કરવામાં આવી હતી. બીજેપીએ આરોપ મૂક્યો હતો કે બિસ્વાસ પોલિંગ બૂથમાં પ્રવેશવા જઈ રહ્યો હતો ત્યારે ટીએમસીના સપોર્ટર્સે તેને અટકાવ્યો હતો. સ્થિતિ વણસી તો તેમણે બિસ્વાસની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં કદમબાગચી એરિયામાં એક અપક્ષ ઉમેદવારના એક સપોર્ટરનું મોત થયું હતું, તેને માર મારવામાં આવ્યો હતો.
રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ૭૩,૮૮૭ બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી. ૨૨ જિલ્લા પરિષદ, ૯૭૩૦ પંચાયત સમિતિ અને ૬૩,૨૨૯ ગ્રામ પંચાયત બેઠકો માટે ૨.૦૬ લાખ ઉમેદવારો મેદાનમાં છે.