એઆઇએમઆઇએમ, કૉન્ગ્રેસ અને ડાબેરી પાર્ટીઓએ ગઈ કાલે આરએસએસની પ્રશંસા કરવા બદલ મમતાની ટીકા કરી હતી
મમતા બૅનરજી (ફાઇલ તસવીર)
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ આરએસએસ વિશે કમેન્ટ આપતાં જ ભારતીય રાજકારણમાં હંગામો મચી ગયો છે. મમતાએ બુધવારે કહ્યું હતું કે આરએસએસમાં તમામ લોકો ‘ખરાબ નથી’ અને અનેક લોકો એવા પણ છે કે જેઓ બીજેપીને સપોર્ટ આપતા નથી.
એઆઇએમઆઇએમ, કૉન્ગ્રેસ અને ડાબેરી પાર્ટીઓએ ગઈ કાલે આરએસએસની પ્રશંસા કરવા બદલ મમતાની ટીકા કરી હતી અને તેમને ‘તકવાદી’ ગણાવ્યાં હતાં. ‘તકવાદી’ ગણાવવાનું એક કારણ એ પણ છે કે પશ્ચિમ બંગાળ સરકારના કેટલાક વિધાનસભ્યો અને પ્રધાનોની વિરુદ્ધના ભ્રષ્ટાચારના કેસોમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) અને સીબીઆઇ દ્વારા તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ મમતાની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ‘૨૦૦૩માં પણ મમતાએ આરએસએસને ‘દેશભક્ત’ કહ્યા હતા અને એના બદલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમને ‘દુર્ગા’ કહ્યાં હતાં.’
કૉન્ગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આ કંઈ પહેલી વખત નથી કે મમતાએ આરએસએસની પ્રશંસા કરી છે.’ બીજી તરફ બીજેપીએ કહ્યું કે, તેમને મમતા પાસેથી સર્ટિફિકેટની કોઈ જ જરૂર નથી.