સ્ટુડન્ટ્સ દ્વારા આયોજિત વિરોધ-પ્રદર્શન પર પોલીસનો અત્યાચાર : વિરોધ-પ્રદર્શન પર પાણીનો મારો, ટિયર ગૅસના શેલ્સ છોડાયા, લાઠીચાર્જ કરાયો, ૧૦૩ પુરુષ અને ૨૩ મહિલા સહિત ૧૨૬ લોકોની ધરપકડ, હિંસામાં ૧૫ પોલીસ ઘાયલ
કલકત્તામાં થયેલા ટ્રેઇની ડૉક્ટરના રેપ-મર્ડરના વિરોધમાં ગઈ કાલે સ્ટુડન્ટ્સે કરેલા વિરોધ-પ્રદર્શનમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેમ જ ટિયર ગૅસ પણ છોડ્યો હતો
કલકત્તામાં આર. જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર બાદ હત્યા કરવાના કેસમાં ગઈ કાલે સ્ટુડન્ટ્સ દ્વારા આયોજિત સ્ટેટ સેક્રેટરિયેટ નબન્ના ભવન પર પ્રોટેસ્ટ-માર્ચ પર પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે પશ્ચિમ બંગાળમાં સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધીના બાર કલાકના બંધની જાહેરાત કરી છે.
આ મુદ્દે BJPના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મઝુમદારે કહ્યું હતું કે અમને આ બંધની જાહેરાત કરવાની ફરજ પડી છે, કારણ કે આપખુદ સરકાર લોકોના વિરોધને સાંભળવા માગતી નથી. સ્ટુડન્ટ્સ મૃત ડૉક્ટરને ન્યાય અપાવવાની માગણી કરે છે. મમતા બૅનરજી-સરકારની પોલીસ ન્યાય અપાવવાને બદલે રાજ્યના શાંતિપ્રિય લોકો પર અત્યાચાર કરે છે. તેઓ માત્ર મહિલાઓ માટે સુરક્ષિત અને સલામત વાતાવરણ પૂરું પાડવાની માગણી કરે છે.
ADVERTISEMENT
તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્ટુડન્ટ્સ પર કેમિકલયુક્ત પાણી છાંટવામાં આવ્યું હતું. ૩૦ ઑગસ્ટથી BJPની મહિલા મોરચાની મહિલાઓ રાજ્ય મહિલા આયોગની ઑફિસ સામે તાલા-લગાઓ અભિયાન શરૂ કરશે.
કોણે આપ્યું એલાન?
આ વિરોધ-પ્રદર્શનનું આયોજન રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીના સ્ટુડન્ટ પ્રબીર દાસ, કલ્યાણી યુનિવર્સિટીના શુભંકર હલદર અને સયાન લાહિડીએ કર્યું હતું. એક ફેસબુક-પોસ્ટ બાદ આ વિરોધ શરૂ થયો છે. તેમણે કહ્યું હતું કે ‘અમારે રાજકારણ સાથે લેવાદેવા નથી, અમારી ત્રણ માગણી છે. બળાત્કાર બાદ જેની હત્યા કરી દેવાઈ છે એ ટ્રેઇની ડૉક્ટરને ન્યાય મળે, ગુનેગારને મોતની સજા થાય અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી રાજીનામું આપે.’
નબન્નાભવન પર ૬૦૦૦ પોલીસકર્મી ખડકી દેવાયા
સ્ટુડન્ટ્સની પ્રોટેસ્ટ-માર્ચને કલકત્તા પોલીસે પરવાનગી આપી નહોતી. આમ છતાં પ્રતિબંધાત્મક ઉપાયરૂપે પોલીસે સ્ટેટ સેક્રેટરિયેટ નબન્નાભવનની આસપાસ ત્રણ લેયરનો સખત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, આશરે ૬૦૦૦ પોલીસકર્મી તહેનાત કરી દેવાયા હતા. ૧૯ સ્થળે બૅરિકેડ્સ લગાવી દેવામાં આવ્યાં હતાં. પાંચ અલગ-અલગ મહત્ત્પૂર્ણ સ્થાનો પર ઍલ્યુમિનિયમનાં બૅરિકેડ્સ લગાવી દેવાયાં હતાં. હાવડા બ્રિજને બન્ને તરફથી સીલ કરી દેવાયો હતો. ડ્રોન-કૅમેરાથી પણ સતત સર્વેલન્સ કરવામાં આવતું હતું.
વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો
વિરોધ-પ્રદર્શન પર પોલીસની ઍક્શન
ગઈ કાલે સવારે સ્ટુડન્ટ્સ કૉલેજ સ્ક્વેરમાં એકઠા થયા હતા અને તેમણે નબન્નાભવન ભણી કૂચ કરી હતી. તેઓ મમતા બૅનરજીના રાજીનામાની માગણી કરતા હતા અને મૃત ડૉક્ટરને ન્યાય મળે એ માટેનાં સૂત્રો ઉચ્ચારતા હતા. સ્ટુડન્ટ્સ સ્ટેટ સેક્રેટરિયેટ તરફ આગળ વધતા હતા ત્યારે તેમને અટકાવવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે તેમના પર પાણીનો મારો કર્યો હતો, ટિયર ગૅસના શેલ્સ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. કેટલાક વિરોધકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. પોલીસે ૧૨૬ લોકોની ધરપકડ કરી હતી, જેમાં ૧૦૩ પુરુષ અને ૨૩ મહિલા છે. પ્રોટેસ્ટ-માર્ચમાં થયેલી હિંસામાં ૧૫ પોલીસકર્મી ઘાયલ થયા હતા.
તૃણમૂલ કૉન્ગ્રેસે દાવો કર્યો હતો કે આ પ્રોટેસ્ટ-માર્ચ થકી વિરોધકો રાજ્યમાં હિંસાનું વાતાવરણ ઊભું કરવા માગે છે. આ વિરોધ-પ્રદર્શન પાછળ BJPનો હાથ છે. જાણીતાં સ્ટુડન્ટ્સ અસોસિએશનોએ આ વિરોધ સાથે કોઈ લેવા-દેવા નહીં હોવાનું જણાવ્યું હતું.
ચાર સ્ટુડન્ટ્સની ધરપકડ
BJPએ આરોપ લગાવ્યો હતો કે ચાર સ્ટુડન્ટ્સ સુભોજિત ઘોષ, પુલકેશ પંડિત, ગૌતમ સેનાપતિ અને પ્રીતમ સરકાર ગઈ કાલ મધરાતથી ગુમ થયા છે. જોકે આ મુદ્દે પોલીસે કહ્યું હતું કે અમે જનહિતમાં આ ચાર સ્ટડન્ટ્સની ધરપકડ કરી છે અને તેમના પરિવારને આની જાણ કરી દીધી છે.
ફ્લૉપ-શો
ગઈ કાલે સાંજે તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે ‘સ્ટુડન્ટ્સનો પ્રોટેસ્ટ ફ્લૉપ-શો સાબિત થયો છે. પોલીસનું અપમાન કરાયું હતું અને તેમના પર પથ્થરમારો કરાયો હતો, તેમની ઉશ્કેરણી પણ કરવામાં આવી હતી છતાં પોલીસે સંયમથી કામ લીધું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી પશ્ચિમ બંગાળે બંધ જોયો નથી, હવે રાજકીય લાભ લેવા માટે BJPએ બંધનું એલાન કર્યું છે. જોકે આ બંધ સફળ નહીં થાય.’
મમતા બૅનરજીની પૉલિગ્રાફ ટેસ્ટ કરો
કલકત્તાની મેડિકલ કૉલેજમાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા મુદ્દે BJPએ ગઈ કાલે માગણી કરી હતી કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને આ કેસમાં સત્ય બહાર લાવવા માટે મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને પોલીસ-કમિશનરની પણ પૉલિગ્રાફ ટેસ્ટ કરવી જોઈએ. તેઓ આ કેસના આરોપીઓને બચાવી રહ્યાં છે.