રાજધાનીના લોકોને બીજા ત્રણ દિવસ ટાઢથી કોઈ રાહત મળવાની શક્યતા નથી
ગઈ કાલે દિલ્હીમાં મોસમનું સૌથી નીચું તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે ઠંડીથી બચવા માટે તાપણું કરતા દિલ્હીવાસીઓ.
નવી દિલ્હી : દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ ઓછો નથી થઈ રહ્યો. ગઈ કાલે દિલ્હીમાં મોસમનું સૌથી નીચું તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા ગઈ કાલનો દિવસ સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જોકે હવામાન ખાતાની આગાહીનું માનીએ તો આવતા ત્રણ દિવસ દિલ્હીવાસીઓને ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના જણાતી નથી.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દિલ્હીમાં ૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવાની વકી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ૫થી ૭ જાન્યુઆરી દરમ્યાન દિલ્હીનું તાપમાન ન્યુનતમ ૪ ડિગ્રી અને મહત્તમ ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સાથે આ ત્રણેય દિવસ દિલ્હીમાં શીત લહરનો પ્રકોપ રહેવાની સંભાવના છે. જોકે ૮ જાન્યુઆરીએ ઠંડીથી સાધારણ રાહત મળશે અને ૯ તથા ૧૦ જાન્યુઆરીએ લઘુતમ તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૨૧થી ૨૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. જોકે ઠંડી વધવા છતાં અત્યારે દિલ્હીવાસીઓને ધુમ્મસથી રાહત મળી છે.