હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે આવતા અઠવાડિયામાં મેદાની વિસ્તારોમાં તાપમાન માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે , જાન્યુઆરીમાં ઠંડીનો રેકૉર્ડ બની શકે
Weather Update
પશ્ચિમ બંગાળના નાદિયામાં ગઈ કાલે ગાઢ ધુમ્મસ વચ્ચે પોતાની સાઇકલ લઈને રેલવે ટ્રૅક ક્રૉસ કરી રહેલો માણસ.
નવી દિલ્હી ઃ ઉત્તર ભારતમાં તાપમાનમાં આ અઠવાડિયામાં મામૂલી વધારો થયો છે. એમ છતાં, જાન્યુઆરી ૨૦૨૩ને ઇતિહાસમાં ઉત્તર ભારત માટે સૌથી વધુ ઠંડોગાર મહિનો ગણવામાં આવે એવી શક્યતા રહેલી છે. એક હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે આવતા અઠવાડિયામાં મેદાની વિસ્તારોમાં તાપમાન માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે.
ઑનલાઇન વેધર પ્લૅટફૉર્મ લાઇવ વેધર ઑફ ઇન્ડિયાના ફાઉન્ડર નવદીપ દહિયાએ ટ્વીટ કર્યું હતું કે ૧૪થી ૧૯ જાન્યુઆરીની વચ્ચે અત્યંત ઠંડીની શક્યતા રહેલી છે. ૧૬થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન ઠંડી એની પીક પર રહે એવી શક્યતા છે.
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગ અનુસાર દેશની રાજધાનીમાં હળવો વરસાદ પડવાના કારણે થોડા દિવસ માટે અત્યંત ઠંડીથી થોડી રાહત મળી શકે છે. જોકે દિલ્હી અને એની આસપાસનાં રાજ્યોના અમુક વિસ્તારોમાં શનિવારથી અત્યંત ઠંડી પડે એવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો : દિલ્હી અને કલકત્તામાં હિમવર્ષા થાય તો આવાં દૃશ્યો જોવાં મળે
દહિયાએ સાવધાની માટે એટલું કહ્યું હતું કે આ આગાહીમાં થોડો ફેરફાર આવી શકે છે, કેમ કે ધુમ્મસ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ એક્સપર્ટે ચેતવણી આપી હતી કે મહત્તમ તાપમાન એક ડિજિટમાં રહેશે અને આગામી દિવસોમાં અત્યંત ઠંડી પડી શકે છે.
દહિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘જાન્યુઆરીના ૧૧ દિવસ ઠંડીની દૃષ્ટિએ ઐતિહાસિક રહ્યા છે. આગામી દિવસોમાં ખરેખર ખૂબ ઠંડી પડવાની શક્યતા છે, જેના લીધે જાન્યુઆરી ૨૦૨૩ કદાચ ૨૧મી સદીમાં અત્યાર સુધીમાં ઐતિહાસિક રીતે સૌથી ઠંડો મહિનો રહી શકે છે.’
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી અત્યંત ઠંડી બાદ ભારતીય હવામાન વિભાગે આ અઠવાડિયામાં ઉત્તરપશ્ચિમ ભારતના લોકોને ખૂબ ઠંડીથી ટેમ્પરરી રાહત મળશે એવી આગાહી કરી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તર-પશ્ચિમ મેદાની વિસ્તારોમાં આજે મિનિમમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે એના પછી દેશની રાજધાનીમાં અત્યંત ઠંડી પડી શકે છે.