લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરતી વખતે કિરેન રિજિજુએ દેશ સમક્ષ મૂક્યા અનેક આંકડા
મિડ-ડે તસવીર
વક્ફ બોર્ડ પાસે ૮.૭૦ લાખ પ્રૉપર્ટી, કુલ વિસ્તાર ૯,૪૦,૦૦૦ એકર અને એની અનુમાનિત કિંમત છે ૧,૨૦,૦૦૦ કરોડ રૂપિયા, પણ એની સામે આવક માત્ર ૧૬૬ કરોડ : વક્ફ બોર્ડ ધર્મનિરપેક્ષ બનશે; એમાં શિયા, સુન્ની, વહોરા, પછાત વર્ગ, મુસ્લિમ, બિનમુસ્લિમ અને મહિલાઓ પણ હશે; વક્ફ બોર્ડમાં ૪ બિનમુસ્લિમ સભ્યો હોઈ શકે છે, એમાંથી બે મહિલાઓ રહેશે
કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે દેશમાં કહેવાય છે કે આર્મી કે રેલવે પાસે સૌથી વધારે જમીન છે; પણ આ જમીન પ્રાઇવેટ નથી, એ પબ્લિકની છે. રેલવેની સંપત્તિ પર ટ્રેનો દોડે છે, લોકો એમાં પ્રવાસ કરે છે. આર્મી દેશની રક્ષા કરે છે, પણ વક્ફ બોર્ડ પાસે સૌથી વધારે જમીન છે. ભારતના વક્ફ બોર્ડ પાસે દુનિયામાં સૌથી વધારે જમીન છે. વક્ફ બોર્ડ પાસે ૮.૭૦ લાખ પ્રૉપર્ટી છે જેનો વિસ્તાર ૯,૪૦,૦૦૦ એકર છે અને એની અનુમાનિત કિંમત ૧,૨૦,૦૦૦ કરોડ રૂપિયા છે. આટલી જમીન હોવા છતાં દેશમાં મુસલમાન ગરીબ કેમ છે? આ જમીનનો ઉપયોગ ગરીબ મુસલમાનો માટે કેમ થતો નથી?
ADVERTISEMENT
કેટલી અરજી મળી?
આ બિલ માટે ઑનલાઇન, નિવેદન અને સૂચનના રૂપમાં ૯૭,૨૭,૭૭૨ અરજી મળી હતી અને ૨૮૪ ડેલિગેશનોએ કમિટી સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. સરકારે બધા પર વિચાર કર્યો હતો અને જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટીએ પણ વિચાર કર્યો છે.
બિલ રજૂ કરતી વખતે કિરેન રિજિજુએ આશરે ૫૮ મિનિટ લાંબી સ્પીચ આપી હતી અને એમાં વિવિધ મુદ્દા રજૂ કર્યા હતા જે નીચે મુજબ છેઃ
૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પહેલાં તત્કાલીન કૉન્ગ્રેસની આગેવાની હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારે પાંચમી માર્ચે ૧૨૩ સંપત્તિઓ દિલ્હી વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરી હતી. લઘુમતીઓના મત મેળવવા આમ કરવામાં આવ્યું હતું. જોકે તેઓ હારી ગયા. અમે આ બિલ ન લાવ્યા હોત તો જે બિલ્ડિંગમાં આપણે બેઠા છીએ એના પર પણ વક્ફ મિલકત હોવાનો દાવો થયો હોત.
જો કોઈ વક્ફના નિર્ણયને સ્વીકારે નહીં તો તે ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. પાંચ લાખ રૂપિયાથી વધારાની કિંમતની મિલકતો માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે.
અમે વક્ફ બોર્ડને ધર્મનિરપેક્ષ બનાવવા માગીએ છીએ. અમે મસ્જિદના સંચાલનમાં દખલગીરી કરવાની કોઈ જોગવાઈ લાવ્યા નથી. વક્ફ બોર્ડની જોગવાઈનો કોઈ પણ મસ્જિદ કે મંદિરની ધાર્મિક વ્યવસ્થા સાથે સંબંધ નથી. આ ફક્ત મિલકત વ્યવસ્થાપનનો મામલો છે.
કોઈ પણ ભારતીય પોતાની સંપત્તિ વક્ફ કરી શકે છે, પણ તેણે ઓછામાં ઓછા પાંચ વર્ષ ઇસ્લામનું પાલન કર્યું હોવું જોઈએ.
વક્ફ બોર્ડને ધર્મનિરપેક્ષ બનાવવામાં આવશે. એમાં શિયા, સુન્ની, વહોરા, પછાત વર્ગ, મુસ્લિમો, બિનમુસ્લિમો અને મહિલાઓ પણ હશે. વક્ફ બોર્ડમાં ૪ બિનમુસ્લિમ સભ્યો હોઈ શકે છે. એમાંથી બે મહિલાઓ રહેશે.
આપણા દેશમાં ૨૦૦૬માં ૪.૯ લાખ વક્ફ પ્રૉપર્ટી હતી. એની આવક ૧૬૩ કરોડ રૂપિયા હતી. ૨૦૧૩માં એમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ એની આવક ૧૬૬ કરોડ રૂપિયા થઈ હતી. હાલમાં દેશમાં ૮.૭૨ લાખ વક્ફ પ્રૉપર્ટી છે. જમ્મુ અને કાશ્મીરમાં એક મહિલા વક્ફ બોર્ડનાં અધ્યક્ષ બન્યા બાદ એની આવક ૪૦ કરોડની થઈ હતી.
નવા વક્ફ બિલમાં યુનિફાઇડ વક્ફ મૅનેજમેન્ટે નોંધણીથી લઈને સર્વેક્ષણ અને કલેક્ટરની ભૂમિકા સુધીની વ્યવસ્થાપન પ્રણાલીમાં ફેરફાર કરવાનું કામ કર્યું છે.
ગરીબો મુસ્લિમો કહી રહ્યા છે કે આ બિલ જલદી પાસ થવું જોઈએ.
નવા બિલ હેઠળ એક કેન્દ્રીયકૃત ડેટાબેઝ અને એક વેબસાઇટ હશે, જેમાં ટ્રેકિંગ થશે. કામ સમયસર થશે અને ઑડિટ પણ થશે.
ઑડિટનું કામ રાજ્ય સરકારો કરશે, કારણ કે જમીન રાજ્યનો વિષય છે. મંત્રાલયો ઑનલાઇન જોડાયેલાં રહેશે.
નવું વક્ફ બિલ કોઈની સંપત્તિ છીનવી લેવા માગતું નથી.
જે મુસ્લિમો ટ્રસ્ટ બનાવીને વક્ફ હેઠળની મિલકતોનું સંચાલન કરવા માગે છે તેમને એમ કરવાની છૂટ રહેશે. ટ્રસ્ટનું સંચાલન ચૅરિટી કમિશનર દ્વારા કરવામાં આવશે.
સિટિઝન અમેન્ડમેન્ડ ઍક્ટ (CAA) વખતે ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો કે મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ જશે. શું કોઈ મુસ્લિમની નાગરિકતા છીનવાઈ છે? આ વખતે પણ ભ્રમ ફેલાવવામાં આવે છે કે મુસ્લિમોની દરગાહ અને મસ્જિદો સરકાર લઈ લેશે. જો આજે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવશે તો એનાં પરિણામો વિપક્ષોએ ભોગવવાં પડશે.
વક્ફ કરવા ઇચ્છતા મુસ્લિમ પુરુષે પહેલાં ઘરની મહિલા અને બાળકોની ચિંતા કરવાની રહેશે. તેમના અધિકારો આપ્યા બાદ સંપત્તિ વકફ કરી શકાશે. વળી આ સંપત્તિની માલિકી તેની પોતાની હોવી જોઈએ.
આદિવાસી વિસ્તારોમાં વક્ફ મિલકતો બનાવી શકાશે નહીં. આવી સંપત્તિને વક્ફ જાહેર કરવામાં આવી હશે તો કલેક્ટર રૅન્ક કે તેથી ઉપરનો કોઈ પણ સરકારી અધિકારી વિવાદિત જમીન સંબંધિત વિવાદની તપાસ કરશે.
વક્ફ ટ્રિબ્યુનલમાં ત્રણ મેમ્બરો હશે અને તેથી કેસોનો ઝડપી નિકાલ આવશે. ટ્રિબ્યુનલના નિર્ણયથી ખુશ ન હો તો તમે કોર્ટમાં જઈ શકશો.
હવે વક્ફ બોર્ડ કોઈ પણ જમીનને વક્ફ મિલકત જાહેર કરી શકશે નહીં. આ જોગવાઈ દૂર કરવામાં આવી છે. આમ હવે કોઈ ગરીબની સંપત્તિ છીનવી શકાશે નહીં. આ જોગવાઈનો દુરુપયોગ થયો છે.
તમે બીજાની પ્રૉપર્ટીને દાનમાં ન આપી શકો, સંપત્તિ તમારી જ હોવી જોઈએ : અમિત શાહ
વક્ફ બિલ વિશેની ચર્ચામાં ભાગ લેતાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ‘બીજાની પ્રૉપર્ટીને દાનમાં આપી શકાય નહીં. દાન કરવામાં આવતી સંપત્તિની માલિકી તમારી પોતાની જ હોવી જોઈએ. મંદિરો માટે જમીન દાનમાં આપવામાં આવે છે, સ્કૂલો કે શૈક્ષણિક સંસ્થાઓ બાંધવા જમીન દાનમાં આપવામાં આવે છે; પણ આ સંપત્તિની માલિકી દાન આપનારની હોય છે. હાલમાં વક્ફના નામે જમીનો પચાવી પાડવાનો ખેલ ચાલી રહ્યો છે. એ બંધ કરવા માટે આ વક્ફ બિલ લાવવામાં આવ્યું છે. ઘણી સરકારી જમીનો પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે, પણ સરકારે છેલ્લી ઘડીએ એમની જમીનો બચાવી છે.’
વક્ફ દ્વારા જમીન પચાવી પાડવાના કેસ વિશે બોલતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘કર્ણાટક હાઈ કોર્ટે ૬૦૨ ચોરસ કિલોમીટર જમીન પર વક્ફના થઈ જનારા કબજાને અટકાવ્યો હતો. દિલ્હીના લુટિયન્સ ઝોનમાંની જમીનો વક્ફ પાસે ગઈ એ પછી એણે સરકારી જમીનો પર કબજો શરૂ કર્યો. તામિલનાડુમાં ૪૦૦ વર્ષ જૂના મંદિરને વક્ફ મિલકત જાહેર કરાઈ, ફાઇવસ્ટાર એસ્ટૅબ્લિશમેન્ટને વક્ફની જમીન માત્ર ૧૨,૦૦૦ રૂપિયાના માસિક ભાડા પર આપવામાં આવી, પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ પાર્કને વક્ફ મિલકત જાહેર કરાઈ. જોકે આ બિલ મંજૂર થયા બાદ આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની મિલકતો, આદિવાસીઓની જમીનો, ખાનગી જમીનો જેવી તમામ મિલકતોનું રક્ષણ થશે. આ બિલ ટ્રાન્સપરન્સી લાવશે.’
૨૦૦૬માં દેશમાં ૪.૯ લાખ વક્ફ પ્રૉપર્ટી હતી, પણ ૨૦૧૩માં કાયદામાં ફેરફાર બાદ એની સંખ્યા વધીને ૮.૭૨ લાખ સુધી પહોંચી
કિરણ રિજિજુએ કરી શાયરી
મેરી હિંમત કો તો સરાહો, મેરે હમરાહી બનો મૈંને એક શમા જલાઈ હૈ હવાઓ કે ખિલાફ
કૉન્ગ્રેસનો વાંધોઃ બિલમાં સુધારા માટે સમય આપો
વક્ફ બિલ રજૂ થાય એ પહેલાં કૉન્ગ્રેસના સંસદસભ્ય કે. સી. વેણુગોપાલે વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે બિલમાં સભ્યોને સુધારા માટે સમય આપવો જોઈતો હતો. મને પણ સમય મળ્યો નથી, આવું ભાગ્યે જ ગૃહમાં બન્યું છે.
જોકે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે મેં બિનસત્તાવાર સુધારાઓને જેટલો સમય આપ્યો છે એટલો જ ખાનગી સુધારાઓને આપ્યો છે. એમાં કોઈ ભેદ કરવામાં આવ્યો નથી.
બિલ વિશે કોણે શું કહ્યું
બંધારણના મૂળભૂત માળખા પર હુમલો : તરુણ ગોગોઈ
બિલ પર ચર્ચામાં ભાગ લેતાં સૌથી પહેલા વક્તા કૉન્ગ્રેસના તરુણ ગોગોઈએ આ બિલને બંધારણના મૂળભૂત માળખા પર હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘એનો ઉદ્દેશ ભારતના બંધારણને નબળું પાડવું, ભ્રમ ફેલાવવો, લઘુમતીઓને બદનામ કરવા, ભારતીય સમાજને વિભાજિત કરવો અને લઘુમતીઓને મતાધિકારથી વંચિત રાખવાનો છે. વળી આ મુદ્દે યોજાયેલી બેઠકોમાં પૉઇન્ટ વાઇઝ ચર્ચા થઈ નહોતી. આ બિલ દ્વારા રાજ્ય સરકારની સત્તાને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમની નજર ચોક્કસ સમુદાયની જમીન પર છે અને સરકાર ભવિષ્યમાં અન્ય લઘુમતીની જમીન પર નજર દોડાવશે.’
મુતવલ્લી મૅનેજર છે, માલિક નહીં : રવિશંકર પ્રસાદ
BJPના રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘વક્ફ ધાર્મિક સંસ્થા નથી, એ કાનૂની સંસ્થા છે. વક્ફના મુતવલ્લીને ફક્ત મૅનેજર કહેવામાં આવે છે અને તેનો વક્ફની મિલકત પર કોઈ અધિકાર નથી. તે ટ્રસ્ટનો માલિક નથી. ભારતમાં વક્ફ બોર્ડ પાસે દુનિયામાં સૌથી વધારે જમીન છે અને આવતી કાલે વક્ફ કહેશે કે આખા ભારતની જમીન પર અમારો અધિકાર છે. આવું નહીં ચાલે. આજે ખ્રિસ્તી સમાજ પણ વક્ફ બોર્ડથી નારાજ છે, કારણ કે તેઓ પણ વક્ફમાં ફેરફાર ઇચ્છે છે. ચર્ચો પણ અતિક્રમણથી પરેશાન છે. વિપક્ષો લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, પણ હવે ભારતના લોકો તેમણે ફેલાવેલા ભ્રમમાં ફસાશે નહીં.’
નિષ્ફળતા છુપાવવા બિલ લાવ્યા : અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે આ બિલ લાવી છે. મહાકુંભમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં એ છુપાવવા માટે તે આ બિલ લાવી છે. સરકારે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોની યાદી આપવી જોઈએ, ઘાયલોની જાણકારી આપવી જોઈએ. તેઓ કહે છે કે ૩૦ લોકો મૃત્યુ પામ્યા છે તો તેમની જાણકારી આપવી જોઈએ. અમને આ બિલથી કોઈ આશા નથી. સરકાર મુસ્લિમોમાં ભાગલા પડાવવા માગે છે.’
વક્ફ પર માત્ર અલ્લાહનો અધિકાર : કલ્યાણ બૅનરજી
તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા કલ્યાણ બૅનરજીએ બિલનો વિરોધ કહ્યું હતું કે ‘વક્ફ એક ધાર્મિક અને સામાજિક સેવા સંસ્થા છે અને વક્ફનો દરેક હક અલ્લાહ પાસે છે. આ મિલકતોનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થાય છે.’
બાળાસાહેબે વિરાેધ કર્યો હતો : શિવસેનાના નરેશ મ્હસ્કે
શિવસેનાના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ જણાવ્યું હતું કે ‘વિપક્ષો પોતાના લાભ માટે આ બિલ વિશે મુસ્લિમોમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. બાળાસાહેબ ઠાકરેએ પણ વક્ફનો વિરોધ કર્યો હતો. સંજય રાઉત જુઠ્ઠાડા છે અને રાહુલ ગાંધીના પપેટ છે.’

