ઍમેઝૉને ભારતમાં લગભગ ૫૦૦ કર્મચારીઓની છટણી કરી છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
બ્રિટિશ ટેલિકૉમ જાયન્ટ વોડાફોને ગઈ કાલે આગામી ત્રણ વર્ષમાં ૧૧,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. નવા ચીફ એક્ઝિક્યુટિવ માર્ગેરિટા ડેલા વેલેએ જણાવ્યું હતું કે કંપનીને ‘વધુ સરળ’ બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે, કેમ કે કંપનીને નવા નાણાકીય વર્ષમાં કમાણીમાં બહુ થોડો વધારો કે પછી કશો ગ્રોથ જ ન થાય એવી શક્યતા જણાઈ રહી છે. માર્ગેરિટાએ કહ્યું હતું કે ‘અમારો પર્ફોર્મન્સ સારો નથી રહ્યો. સતત સારું પર્ફોર્મ કરવા માટે વોડાફોને પરિવર્તન કરવું રહ્યું.’ માર્ગેરિટાની મે મહિનાની શરૂઆતમાં કાયમી ધોરણે સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ૧૧,૦૦૦ કર્મચારીઓ એટલે કે વોડાફોનના દુનિયાભરમાં રહેલા સ્ટાફમાંથી ૧૦ ટકાથી વધુ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે.
માર્ગેરિટાએ વધુ કહ્યું હતું કે ‘કસ્ટમર્સ મારી પ્રાયોરિટી છે. અમે અમારા ઑર્ગેનાઇઝેશનને વધુ સરળ બનાવીશું. અન્ય કંપનીઓ સાથેની સ્પર્ધાનો વધુ સારી રીતે સામનો કરવા માટે જટિલતા ઘટાડીશું.’
ADVERTISEMENT
ઍમેઝૉને ભારતમાં લગભગ ૫૦૦ કર્મચારીઓની છટણી કરી
ઍમેઝૉને ભારતમાં લગભગ ૫૦૦ કર્મચારીઓની છટણી કરી છે. સીઈઓ એન્ડી જૅસી દ્વારા માર્ચમાં જાહેર કરવામાં આવેલી છટણીના ભાગરૂપે તાજેતરમાં આ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. સોર્સિસ અનુસાર વેબ સર્વિસિસ, હ્યુમન રિસોર્સિસ અને સપોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. જેમની છટણી કરવામાં આવી છે એમાંથી કેટલાક કર્મચારીઓ ભારતમાંની ઍમેઝૉનની ગ્લોબલ ટીમમાં સામેલ હતા.