VHPનો સવાલ : મસ્જિદ કે ચર્ચ જેવાં ધર્મસ્થળો પર સરકારનું નિયંત્રણ નથી તો માત્ર મંદિરો પર શા માટે?
VHPના કાર્યકારી મહામંત્રી મિલિંદ પરાંડે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ ગઈ કાલે જાહેરાત કરી હતી કે હિન્દુ મંદિરોને સરકારના કબજામાંથી મુક્ત કરાવવા માટે તેઓ ૨૦૨૫ની પાંચમી જાન્યુઆરીથી રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ અભિયાનનો આરંભ કરશે.
આ મુદ્દે પત્રકારોને સંબોધતાં VHPના કાર્યકારી મહામંત્રી મિલિંદ પરાંડેએ જણાવ્યું હતું કે ‘તમામ રાજ્ય સરકારોએ એમનાં રાજ્યોમાં આવેલાં હિન્દુ મંદિરોના અંકુશ, એના મૅનેજમેન્ટ અને દૈનિક ગતિવિધિઓમાંથી દૂર હટી જવું જોઈએ; કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિ હિન્દુ સમાજ સાથે ભેદભાવ છે. કોઈ મસ્જિદ કે ચર્ચ જ્યારે સરકારના નિયંત્રણ હેઠળ નથી તો માત્ર હિન્દુઓ સામે આવો ભેદભાવ શા માટે કરવામાં આવે છે?’
ADVERTISEMENT
આ મુદ્દે વધુમાં બોલતાં મિલિંદ પરાંડેએ જણાવ્યું હતું કે ‘પાંચમી જાન્યુઆરીએ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આયોજિત કાર્યક્રમ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે, જેમાં દેશભરમાંથી લાખો લોકો જોડાશે. સંત સમાજ અને હિન્દુ સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ આ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.’
મિલિંદ પરાંડેએ આ મુદ્દે વધુમાં કહ્યું હતું કે ‘આઝાદી બાદ ઘણાં હિન્દુ મંદિરો હિન્દુ સમાજને સોંપી દેવાની જરૂર હતી, પણ આમ થયું નથી એ આપણી કમનસીબી છે. એમને રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યાં છે. હવે મંદિરોના મૅનેજમેન્ટ અને કબજાને હિન્દુ સમાજના એવા લોકોના હાથમાં સોંપવામાં આવે જે આમ કરવામાં સક્ષમ છે.’
મંદિરોના મૅનેજમેન્ટના મુદ્દે મિલિંદ પરાંડેએ વધુમાં કહ્યું હતું કે ‘આ બાબતે અમે સુપ્રીમ કોર્ટના અગ્રણી વકીલો, હાઈ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસો, સંત સમાજના સન્માનનીય મહાનુભાવો અને VHPના કાર્યકર્તાઓની બનેલી થિન્ક ટૅન્ક તૈયાર કરી છે. તેઓ આ મંદિરોનું સંચાલન કેવી રીતે કરવું જોઈએ એનો પ્રોટોકોલ તૈયાર કરશે અને આ મુદ્દે કોઈ વિવાદ થાય તો એનું સમાધાન પણ શોધી કાઢશે.’