એક સાડીને લઈને બે મહિલાઓ વચ્ચે થયેલી રકઝક આખરે ફાઇટમાં ફેરવાઈ ગઈ હતી.
બૅન્ગલોરના મલ્લેશ્વરમમાં સાડીના સેલમાં ફાઇટ કરી રહેલી મહિલાઓ અને તેમને છોડાવવાની કોશિશ કરી રહેલા અન્ય લોકો.
બૅન્ગલોરના મલ્લેશ્વરમમાં સાડીના સેલનું વેન્યુ ફાઇટનું વેન્યુ બની ગયું હતું. અહીં એક સ્ટોરના વાર્ષિક સાડી સેલ દરમ્યાન બે મહિલાઓ સતત એકમેકને માર મારતી રહી હતી. મૈસૂર સિલ્ક સાડી માટે મહિલાઓ પડાપડી કરી રહી હતી ત્યારે આ સ્ટોરમાં બીજા એક કસ્ટમરે આ ફાઇટનો વિડિયો કૅપ્ચર કર્યો હતો. એક સાડીને લઈને બે મહિલાઓ વચ્ચે થયેલી રકઝક આખરે ફાઇટમાં ફેરવાઈ ગઈ હતી. તેમની વચ્ચે મુક્કાબાજી થઈ, એકબીજાના વાળ ખેંચ્યા અને ચીસાચીસ વચ્ચે તેમને છોડાવવા માટે અન્ય કેટલાક લોકો કૂદી પડ્યા હતા.
જોકે આ વિડિયોની સૌથી મજેદાર બાબત એ છે કે અનેક મહિલાઓએ આ ફાઇટને સાવ અવગણીને પોતે પસંદ કરેલી સાડીઓનો ઢગલો કરવાનું પસંદ કર્યું હતું, જેથી બીજું કોઈ એ સાડી લઈ ન લે. લાખો વ્યુઝ સાથે આ વિડિયો ટૂંક સમયમાં ટ્વિટર પર વાઇરલ થયો હતો. એક ટ્વિટર-યુઝરે આ ક્લિપને શૅર કરીને લખ્યું હતું કે ‘સાડી એ કંઈ કાપડનો ટુકડો નથી, એક લાગણી છે.’