હાઈ કોર્ટે સેન્ટ્રલ ફોર્સ તહેનાત કરવાનો આપ્યો આદેશ
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના શમશેરગંજ વિસ્તારમાં વક્ફ કાયદાને લઈને થયેલા વિરોધ-પ્રદર્શને અચાનક હિંસક સ્વરૂપ લઈ લીધું હતું જેમાં શનિવાર રાત સુધીમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. બંગાળની હિંસામાં શનિવારે બપોરે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે હિંસક ભીડના હુમલામાં પિતા-પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
વધતી હિંસાને ધ્યાને રાખી કલકત્તા હાઈ કોર્ટે કેન્દ્રીય સુરક્ષા દળ તહેનાત કરવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણય BJPના નેતા સુવેન્દુ અધિકારીની અરજી પર લેવામાં આવ્યો હતો, જેમાં તેમણે મુસ્લિમ બહુમતી ધરાવતા બૉર્ડર જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષાદળ મોકલવાની માગ કરી હતી.
ADVERTISEMENT
બંગાળમાં હિંસાને લઈને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ રાજ્યમાં વક્ફ કાયદાને લાગુ ન કરવાની જાહેરાત કરી હતી અને શાંતિની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કાયદો કેન્દ્ર સરકારનો છે અને સવાલ પણ તેમને જ પુછાવા જોઈએ. મમતા બૅનરજીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારી તમામ ધર્મોના લોકોને અપીલ છે કે શાંતિ જાળવી રાખે, ઉશ્કેરણીમાં ન આવે. દરેક વ્યક્તિનો જીવ કીમતી છે, રાજકીય નામ પર દંગા ન કરવામાં આવે.’

