બાબરે તોડી પાડેલા મંદિર પર બાંધવામાં આવેલી મસ્જિદનો સર્વે કોર્ટના આદેશ બાદ કરવામાં આવી રહ્યો હતો
સંભલની શાહી જામા મસ્જિદનો એરિયલ વ્યુ.
ઉત્તર પ્રદેશના સંભલમાં ૧૫૨૯માં મુગલ શાસક બાબરે તોડી પાડેલા પ્રાચીન હરિહર મંદિરના સ્થાને આવેલી મસ્જિદનો સર્વે કરવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને આ કેસમાં પોલીસે ૧૦ જણની ધરપકડ કરી ઊલટતપાસ હાથ ધરી છે. આ હુમલામાં પોલીસો અને સર્વે કરવા આવેલી ટીમના મેમ્બરોને વાગ્યું છે. પોલીસે જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.
શું છે વિવાદ?
ઍડ્વોકેટ વિષ્ણુ શંકર જૈને પિટિશન કરી હતી કે પ્રાચીન હરિહર મંદિરને તોડીને એના સ્થાને મુગલોના જમાનામાં જામા મસ્જિદ બાંધવામાં આવી હતી એથી એનો સર્વે કરવામાં આવે. કોર્ટે ઍડ્વોકેટ કમિશનને સર્વે, વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની મંજૂરી આપી હતી. મસ્જિદ સમિતિ, ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને ઉત્તર પ્રદેશ તથા કેન્દ્ર સરકારને આ કેસમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યાં છે. એક ટીમ ગઈ કાલે સવારે મસ્જિદ પર પહોંચી હતી ત્યારે તેમના પર હુમલો થયો હતો. આ કેસની આગામી સુનાવણી હવે ૨૦૨૫ની ૨૯ જાન્યુઆરીએ થશે.
ADVERTISEMENT
તોફાનોઓ દ્વારા થયેલા પથ્થરમારા સામે પોલીસે પહેલાં ટિયરગૅસ અને પછી પ્લાસ્ટિકની ગોળીઓ છોડી હતી.
એકાએક ત્રણ બાજુથી હુમલો
આ મુદ્દે મોરાદાબાદના ડિવિઝનલ પોલીસ-કમિશનર અંજનેય કુમાર સિંહે જણાવ્યું હતું કે જ્યારે સર્વે પૂરો થયો ત્યારે ત્રણ બાજુથી ત્રણ જૂથો દ્વારા આ ટીમ પર હુમલો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એક જૂથે વાહનોને સળગાવવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસના પબ્લિક રિલેશન ઑફિસરને ગોળી પગમાં વાગી હતી. ડેપ્યુટી કલેક્ટરને ફ્રૅક્ચર થયું હતું. આશરે ૧૫ પોલીસ જવાનો ઘાયલ થયા હતા.
તોફાનીઓ દ્વારા વાહનોને આગ ચાંપવામાં આવી હતી.
પોલીસે શું કર્યું?
પોલીસે તાત્કાલિક ટીયરગૅસના શેલ્સ ફોડીને ભીડને હટાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ભીડ બેકાબૂ બનતાં પોલીસે પ્લાસ્ટિકની ગોળીઓ તેમના પર છોડી હતી. કેટલાક તોફાનીઓએ પોલીસનાં વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલો કરતા તોફાનીઓના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે અને પોલીસ એની તપાસ કરી રહી છે.
શું કહ્યું અખિલેશ યાદવે?
આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો હતો કે પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓના મુદ્દે લોકોનું ધ્યાન ભટકાવવા આમ કરવામાં આવી રહ્યું છે. સવારે લોકો ચૂંટણીના મુદ્દે ચર્ચા કરતા હતા ત્યારે સર્વેની ટીમને મોકલવામાં આવી હતી અને એથી લોકો આ મુદ્દે ચર્ચા કરે નહીં એવું કારસ્તાન ઘડી કાઢવામાં આવ્યું હતું.