સરકારનો દાવો છે કે તેલુગુ દેસમ પાર્ટી (TDP) સહિતના NDAના સાથીપક્ષો બિલના સંપૂર્ણ સમર્થનમાં છે. બીજી તરફ વિપક્ષ પ્રયાસ કરી રહ્યો છે કે આ બિલને કોઈ પણ રીતે રોકવું જોઈએ.
લોકસભામાં આજે વક્ફ બિલ રજૂ થવાનું હોવાથી એને પગલે કોઈ ધમાલ ન થાય એ માટે ગઈ કાલે વારાણસીમાં પોલીસે સંવેદનશીલ એરિયામાં પરેડ કરી હતી.
સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં વક્ફ સંશોધન બિલની ચર્ચા બાદ હવે આ બિલને આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ચર્ચા બાદ બિલ પસાર કરવા વિશે નિર્ણય લેવાશે. વક્ફ સંશોધન બિલને લઈને ગઈ કાલે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ BJPના લોકસભાના દંડક સાથે બેઠક કરી હતી. બિલને લઈને સરકાર અને વિપક્ષ બન્ને મેદાનમાં છે. ગઈ કાલે BJPએ એના લોકસભાના તમામ સંસદસભ્યોને સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો હતો. સરકારનો દાવો છે કે તેલુગુ દેસમ પાર્ટી (TDP) સહિતના NDAના સાથીપક્ષો બિલના સંપૂર્ણ સમર્થનમાં છે. બીજી તરફ વિપક્ષ પ્રયાસ કરી રહ્યો છે કે આ બિલને કોઈ પણ રીતે રોકવું જોઈએ.
TDP દ્વારા સૂચવવામાં આવેલા ત્રણેય સુધારાને વક્ફ (સંશોધન) બિલમાં સ્વીકારવામાં આવ્યા હતા. આ સાથે TDPએ બિલને સંપૂર્ણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો અને લોકસભામાં બિલના સમર્થનમાં મતદાન કરશે. આ સાથે જનતા દળ-યુનાઇટેડ (JDU)ના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરાયો હતો. એથી નીતીશકુમારની પાર્ટી પણ લોકસભામાં વક્ફ સંશોધન બિલને સમર્થન આપી શકે છે.

