એનટીપીસીના હાઇડેલ પ્રોજેક્ટની ટનલ્સમાં બ્લાસ્ટ્સને કારણે તિરાડ પડવાનું શરૂ થતાં જોશીમઠના લોકોએ સીએમને ત્રણ લેટર્સ લખ્યા, પણ કોઈ ઍક્શન ન લેવાઈ
જોશીમઠમાં આવી તિરાડોને કારણે ઘરોમાં જ નહીં, પરંતુ રસ્તા પર પણ લોકો સુરક્ષિત નથી.
જોશીમઠ, ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં જમીનમાં ધસી રહેલા ટાઉન જોશીમઠના નાગરિકોએ ગયા મહિને ત્રણ વખત મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને લેટર લખીને નજીકમાં એનટીપીસીના હાઇડેલ પ્રોજેક્ટની ટનલ્સમાં બ્લાસ્ટની વિનાશકારી અસરો વિશે અલર્ટ કર્યા હતા. જોશીમઠથી માંડ એક કિલોમીટરના અંતરે આ અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં બ્લાસ્ટ્સને કારણે ડિસેમ્બરમાં જ જમીન ધ્રૂજી ગઈ હતી અને ઘરો અને રસ્તાઓ પર તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ડરી ગયેલા નાગરિકોએ મુખ્ય પ્રધાનને આ મામલે ઍક્શન લેવાની અપીલ કરી હતી. જોકે તેમની ફરિયાદને બિલકુલ જ સાંભળવામાં નહોતી આવી.
નાગરિકોએ ત્રણ લેટર્સ લખ્યા હતા. એક પછી એક લેટરમાં આ નાગરિકોએ સ્થિતિ વધારે ને વધારે ગંભીર થઈ રહી હોવાથી તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું, કેમ કે તિરાડો વધતી જ જતી હતી. જોકે સ્થિતિ વણસી અને એક મંદિર તૂટતાં અને અનેક ઘરોમાં ભયાનક તિરાડો પડતાં હવે જોશીમઠમાંથી ૬૦૦થી વધારે પરિવારોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હોટેલિયર ઠાકુર સિંહ રાણાએ કહ્યું હતું કે ‘અમે ગયા વર્ષથી ઉત્તરાખંડ સરકાર અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને એનટીપીસીની ટનલ્સમાં થતા બ્લાસ્ટ્સની અસરોની નોંધ લેવા વિનંતી કરીએ છીએ, કેમ કે એનાથી સમગ્ર એરિયા ધ્રૂજે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે અમારાં ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ હતી ત્યારે અમે સરકારને અનેક લેટર્સ લખ્યા હતા, પરંતુ અમને કોઈ જવાબ મળ્યો નથી. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે એક વખત મુલાકાત લીધી હતી, પરંતુ આ કટોકટીને ઉકેલવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે જોશીમઠ ગમે ત્યારે ધસી શકે છે.’
ADVERTISEMENT
ચમોલીના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ કહ્યું હતું કે ‘હા, નાગરિકોએ મને અને સીએમને લેટર્સ લખ્યા હતા. મેં ડિસેમ્બરમાં એ એરિયાની મુલાકાત પણ લીધી હતી, પરંતુ પ્રામાણિકતાથી કહું છું કે શું કરવું જોઈએ એની અમને ખબર નહોતી, કેમ કે સૌથી પહેલાં તો શા માટે તિરાડ પડી રહી છે એ કારણ જાણવાની અમને જરૂર હતી. નહીં તો કારણ જાણ્યા વિના અમે કોઈ પણ પગલાં લઈએ તો એનું કદાચ વિપરીત પરિણામ આવી શકે. એ જ કારણે મેં કોઈ પગલાં નહોતાં લીધાં.’
જોશીમઠમાં આવેલા ટૉઇલેટ્સ આ રીતે ઝૂકી ગયા છે.
જોશીમઠને ઑફિશ્યલી ‘ડૂબતો’ ઝોન જાહેર કરાયું
એક સિનિયર અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું કે જોશીમઠને ‘ભૂસ્ખલનના કારણે જમીન ધસી રહેલો ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે. નુકસાનગ્રસ્ત ઘરોમાં રહેતા ૬૦થી વધુ પરિવારોને ટેમ્પરરી રાહત કેન્દ્રોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હજી બીજા ઓછામાં ઓછા ૯૦ પરિવારોને શિફ્ટ કરવાની જરૂર છે. ગઢવાલ કમિશનર સુશીલ કુમારે કહ્યું હતું કે જોશીમઠમાં ચારથી પાંચ સ્થળે રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. દરમ્યાનમાં ચમોલીના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાના નુકસાનના ચોક્કસ અંદાજ માટે અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરે-ઘરે જઈ રહ્યા છે.
જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે ચમોલી જિલ્લામાં ચીનની બૉર્ડરને જોડતાં મહત્ત્વના જોશીમઠ-માલારી બૉર્ડર રોડ પર તિરાડો પડી છે. વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો જોશીમઠ-માલારી બૉર્ડર રોડ માલારી ટેક્સી-સ્ટૅન્ડ પાસે ધસી રહ્યો છે.
વડા પ્રધાને સીએમ સાથે વાત કરીને શક્ય તમામ મદદની ખાતરી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જોશીમઠની સ્થિતિનો સામનો કરવામાં શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની ઑફિસમાંથી આ માહિતી આપવામાં આવી હતી. મોદીએ સીએમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસ દ્વારા આ સ્થિતિ પર ચર્ચા કરવા એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેના પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની એજન્સીઓ ઉત્તરાખંડને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરી રહી છે.